
વિજાપુર મહદેવપુરા ( ગવાડા ) સીમ માં ખેતરમાં ટીંટોડીના ચાર ઈંડા જોઈ ખેડૂતોમાં વરસાદી આશા જાગી
લોકમાન્યતા મુજબ ચારેય દિશામાં સારો વરસાદ થવાની સંભાવના, પરંતુ અનિયમિત વરસાદની પણ ચર્ચા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ખેડૂતોએ ખેતરોમાં ટીંટોડી દ્વારા મૂકાયેલા ઈંડાઓને લઈને વરસાદ અંગે વિવિધ અનુમાનો વ્યક્ત કરવા શરૂ કર્યા છે. મહાદેવપુરા ગવાડા ગામમાં ટીંટોડીએ ચાર જેટલા ઈંડા મૂક્યા હોવાનું જોવા મળતાં ખેડૂતોમાં અને ગ્રામજનો માં આ વર્ષે ચારેય દિશામાં સારો વરસાદ થવાની આશા જાગી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી એવી લોકમાન્યતા ચાલી આવે છે કે ટીંટોડી જેટલા ઈંડા મૂકે તેના આધારે વરસાદની દિશા અને પ્રમાણનું અનુમાન લગાવવામાં આવે છે. ખેડૂતોના માનવા મુજબ ટીંટોડી ત્રણ ઈંડા મૂકે તો ત્રણ દિશામાં વરસાદ પડે અને ચાર ઈંડા મૂકે તો ચારેય દિશામાં વરસાદ સારો થવાની શક્યતા રહેતી હોય છે.
આ ઉપરાંત ટીંટોડી ખેતરના મધ્ય ભાગમાં ઈંડા મૂકે તો મધ્યમ સ્તરનો વરસાદ થવાની માન્યતા પણ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચલિત છે. હાલ કેટલાક ખેતરોમાં ટીંટોડીએ મધ્ય ભાગમાં ઈંડા મૂક્યા હોવાનું જોવા મળતાં ખેડૂતો સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.
ખેડૂતોમાં વધુ એક રસપ્રદ ચર્ચા એ પણ ચાલી રહી છે કે ટીંટોડીના ઈંડાનો ટીચ જો નીચેની તરફ હોય તો વરસાદ અનિયમિત રહેવાની સંભાવના માનવામાં આવે છે. હાલ જોવા મળેલા ઈંડાઓમાં ટીચ નીચે તરફ હોવાનું કેટલાક ખેડૂતો જણાવી રહ્યા છે. જેના કારણે ચારેય દિશામાં વરસાદ થવાની આશા સાથે અનિયમિત વરસાદની શક્યતા અંગે પણ ચર્ચાઓ તેજ બની છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ ટીંટોડી માત્ર વરસાદ અંગે સંકેત આપતી નથી પરંતુ પ્રકૃતિનો સંતુલન જાળવવાનો સંદેશ પણ આપે છે. ટીંટોડીના બચ્ચાં બહાર આવ્યા બાદ તે ઈંડાના કવચને નજીકના ભેજવાળા ખેતરમાં લઈ જઈ નાનો ખાડો કરીને દાટી દેતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. પ્રકૃતિને નુકસાન ન પહોંચે અને પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે તેવો કુદરતી નિયમ ટીંટોડી દ્વારા જાળવાતો હોવાનું માનવામાં આવે છે.
ગ્રામ્ય જીવનમાં પ્રકૃતિ સાથે જોડાયેલી આવી માન્યતાઓ આજે પણ જીવંત જોવા મળે છે. આધુનિક હવામાન વિભાગની આગાહીઓ વચ્ચે પણ ખેડૂતો પરંપરાગત સંકેતોને મહત્વ આપતા જોવા મળે છે અને ટીંટોડીના ઈંડાઓને વરસાદી ઋતુનું કુદરતી સંકેત માનવામાં આવે છે.



