વિજાપુરમાં સાબરમતી નદીમાં ડૂબી જતાં યુવકનું મોત
અંતિમ સંસ્કારમાં ગયેલા પરિવારમાં કરુણ ઘટના; ભત્રીજો બચી ગયો, 35 વર્ષીય યુવકે ગુમાવ્યો જીવ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના સાબરમતી નદી કિનારે આવેલા ગંગેશ્વર મહાદેવ સ્મશાનગૃહ ખાતે અંતિમ સંસ્કાર માટે ગયેલા પરિવાર દરમિયાન બનેલી દુર્ઘટનામાં એક યુવકનું નદીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિજાપુરના મકરાણી દરવાજા તળાવ પાસે રહેતા રાજુભાઈ દેવીપૂજકના આશરે 35 વર્ષીય પુત્ર જગદીશભાઈ દેવીપૂજક પરિવારજનો સાથે પોતાના કાકીના અંતિમ સંસ્કાર ક્રિયામાં હાજરી આપવા ગયા હતા. આ દરમિયાન પરિવારનો એક સભ્ય ભત્રીજો કાકી ના અંતિમ ક્રિયા બાદ સાબરમતી નદીમાં નાહવા ઉતર્યો હતો અને ઊંડા પાણીમાં જતાં ડૂબવા લાગ્યો હતો. પરિવારજનને બચાવવાના પ્રયાસમાં જગદીશભાઈ પણ નદીમાં ઉતર્યા હતા. સગીર સુરક્ષિત રીતે બહાર આવી ગયો હતો, જ્યારે જગદીશભાઈ ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. બાદમાં તેમને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ દવાખાને લાવતા તેમનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.






