ગોધરામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાએ વિકસિત ભારત ૨૦૪૭ માટે સંકલ્પબદ્ધ થવા કર્યું આહ્વાન

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી પ્રભારી મંત્રી રમેશ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી. પ્રભારી મંત્રીશ્રીએ ધ્વજવંદન કરી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિત દેશની આઝાદી માટે બલિદાન આપનાર તમામ શહીદોને ભાવપૂર્વક ભાવાંજલિ અર્પણ કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન અને વ્યસનમુક્ત યુવાશક્તિ દ્વારા ‘વિકસિત ભારત ૨૦૪૭’નું સ્વપ્ન સાકાર કરવા આહ્વાન કરવાની સાથે ગોધરા તાલુકાના વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લા વહીવટી તંત્રને એનાયત કર્યો હતો.
પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિવિધ ક્ષેત્રોમાં મોખરે રહ્યું છે. સરકારની પ્રાથમિકતા માત્ર શહેરોના વિકાસ પૂરતી સીમિત ન રહેતાં ગામડાં અને ખેડૂતોને પણ સમૃદ્ધ બનાવવાની છે, જેના ભાગરૂપે ગ્રામીણ વિસ્તારોમાં રસ્તા, વીજળી, પીવાનું પાણી, આરોગ્ય અને આધુનિક ટેકનોલોજી પહોંચાડવામાં આવી છે. તેમણે નાગરિકોને પર્યાવરણ જાળવણી અર્થે વૃક્ષારોપણ કરવા અને યુવાનોને વ્યસનોથી દૂર રહી ભારતીય સંસ્કૃતિ સાથે સશક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
આ ઉજવણી અંતર્ગત વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા યોગા, દેશભક્તિ ડાન્સ, પિરામિડ, આદિવાસી ટીમલી, આર્મી થીમ કૃતિ, ગરબા ફ્યુઝન અને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ જેવી મનોહર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પ્રભારી મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો અને પત્રકારોએ ગ્રાઉન્ડ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભા સાંસદ જસવંત સિંહ પરમાર, ધારાસભ્ય સી. કે. રાઉલજી, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય તથા જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત સહિતના અગ્રણી પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા







