MORBI:મોરબી ચેક રિટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની સખત કેદ અને વળતર ન ચૂકવે તો વધુ ૧ વર્ષની સજાનો આદેશ




MORBI:મોરબી ચેક રિટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની સખત કેદ અને વળતર ન ચૂકવે તો વધુ ૧ વર્ષની સજાનો આદેશ

મોરબીની નામદાર કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપીને દોષિત ઠેરવી ૧ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ જો આરોપી વળતરની રકમ ચૂકવવામાં કસુર કરે તો વધુ ૧ વર્ષની સખત કેદની સજા ફટકારવાનો મોરબી કોર્ટે આદેશ કર્યો છે.

કેસની વિગત મુજબ, આ કામના ફરિયાદી આરતીબા નિર્મળસિંહ રાણાએ સંબંધના દાવે આરોપી ચેતનસિંહ રવિન્દ્રસિંહ ચૌહાણને ₹૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પાંચ લાખ પૂરા) હાથ ઉછીના આપ્યા હતા. ત્યારબાદ આરોપી આ લેણી રકમ ચૂકવવામાં નિષ્ફળ જતા, ફરિયાદીએ મોરબીની નામદાર કોર્ટમાં ફોજદારી કેસ નં. ૬૮૯૨/૨૦૨૪ થી ‘ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ’ ની કલમ-૧૩૮ અન્વયે ફરિયાદ દાખલ કરી હતી.
સદરહું ફરિયાદ શ્રી મોરબીના મહે. ત્રીજા એડી. ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ (શ્રી જે. જે. જોષી સાહેબ)ની કોર્ટમાં ચાલી ગઈ હતી. જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓ ધ્યાને લઈ આરોપીને ૧ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે ફરિયાદની તારીખથી ૬% વ્યાજ સાથે વળતર પેટે રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે અને જો આરોપી આ વળતરની રકમ ન ચૂકવે તો વધુ ૧ (એક) વર્ષની વધારાની સખત કેદની સજા ભોગવવાનો આદેશ કર્યો છે.
આ કેસમાં ફરિયાદી પક્ષે “કોટક લો ચેમ્બર” ના સિનિયર વકીલશ્રી નિકુંજ પી. કોટક હેઠળ પ્રેક્ટિસ કરતા વકીલશ્રી હિરેન ડી. ગોસ્વામી, વકીલશ્રી હાર્દિક ડી. ગોસ્વામી તથા વકીલશ્રી વિશાલ પી. ચાવડા રોકાયેલા હતા.


