MORBI:મોરબીના રાજપર રોડ પરના ગોડાઉનમાંથી રૂ. ૩.૩૮ લાખની કિંમતનો ૧૨૭૨ ગુણી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો સીઝ કરાયો

MORBI:મોરબીના રાજપર રોડ પરના ગોડાઉનમાંથી રૂ. ૩.૩૮ લાખની કિંમતનો ૧૨૭૨ ગુણી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો સીઝ કરાયો
રાજ્યના ગૃહ વિભાગની સૂચના મુજબ વિસ્ફોટકો, એમોનિયમ નાઇટ્રેટ તેમજ વિસ્ફોટક સામગ્રીમાં વપરાતા રસાયણોના સંગ્રહ અને વેચાણ પર નજર રાખવા રચાયેલ ‘ડેડિકેટેડ ડિસ્ટ્રિક્ટ લેવલ સેલ’ અંતર્ગત મોરબી એસ.ઓ.જી. (SOG) ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સરહદી રેન્જ ભુજ (કચ્છ)ના પોલીસ મહાનિરીક્ષકશ્રી અને મોરબી પોલીસ અધીક્ષકશ્રીની માર્ગદર્શિકા હેઠળ SOG ટીમે મોરબી સીટી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાંથી શંકાસ્પદ યુરિયા ખાતરનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી વિગતો અનુસાર, SOG પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.સી. ગોહિલ અને તેમની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબીના રાજપર રોડ પર મામાદેવના મંદિરની સામેની શેરીમાં, ‘જય એગ્રો’ની બાજુમાં આવેલ ગોડાઉનમાં ગેરકાયદેસર કે શંકાસ્પદ યુરિયા ખાતરનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે.
બાતમીના આધારે SOG ટીમે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), મોરબીને સાથે રાખીને સદર સ્થળે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન આ ગોડાઉન જય એગ્રોના માલિક જયેશભાઇ કાનજીભાઇ બુડાસણા (રહે. મોરબી) દ્વારા ભાડે રાખવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું.સ્થળ પરથી જપ્ત કરેલ મુદ્દામાલ: શંકાસ્પદ યુરિયા ખાતરની કુલ ૧૨૭૨ ગુણી (અંદાજિત કિંમત રૂ. ૩,૩૮,૯૮૮/-)SOG ટીમે આ તમામ શંકાસ્પદ જથ્થો સીઝ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી અને નમુના તપાસ અર્થે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), મોરબીની ટીમને સોંપેલ છે. કૃષિ વિભાગ અને પોલીસની આ સંયુક્ત કાર્યવાહીથી ખાતરનો કાળોબજાર અથવા ગેરકાયદેસર ઉપયોગ કરતા તત્વોમાં ફાળ પડી છે.










