MORBI:મોરબીમાં ગૌરક્ષકો અને પોલીસની સંયુક્ત કામગીરી: કચ્છથી કતલખાને લઈ જવાતા ૧૫ જીવ બચાવાયા, ઇકો ગાડી સાથે ૨ શખ્સો ઝડપાયા

MORBI:મોરબીમાં ગૌરક્ષકો અને પોલીસની સંયુક્ત કામગીરી: કચ્છથી કતલખાને લઈ જવાતા ૧૫ જીવ બચાવાયા, ઇકો ગાડી સાથે ૨ શખ્સો ઝડપાયા
મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કતલખાના સામે હિન્દુ સમાજ અને ગૌરક્ષકોમાં ભારે રોષ
મોરબી ખાતે કતલખાને ધકેલાતા અબોલ જીવોને બચાવવા માટે ગૌરક્ષકો અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. કચ્છ બાજુથી મોરબીના ખાટકીવાસમાં કતલ કરવાના ઇરાદે લાવવામાં આવી રહેલા ૧૫ જેટલા ઘેટાંઓને ઇકો ગાડીમાંથી મુક્ત કરાવી બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ વહેલી સવારે કચ્છ તરફથી માળિયા થઈને મોરબી ખાટકીવાસમાં એક ઇકો ગાડી (નંબર: GJ 39 CB 4056)માં ક્રૂરતાપૂર્વક અબોલ જીવો ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળતા ગૌરક્ષકો સક્રિય થયા હતા.
બાતમીના આધારે મોરબી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ (દિલ્હી), રાષ્ટ્રીય સનાતન સેના, હિન્દુ યુવા વાહિની, ચોટીલા ગૌરક્ષક અને લીંબડી ગૌરક્ષકની ટીમો દ્વારા માળિયા રસ્તો અને મોરબી નજીક રવિરાજ ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમીવાળી ગાડી આવતા જ ગૌરક્ષકોએ ૧૧૨ નંબર પર ફોન કરી પોલીસનો સંપર્ક કર્યો હતો અને ગાડીને રોકીને તપાસ કરી હતી.
ગાડીમાં તપાસ કરતા ઘાસ કે પાણીની કોઈ જ સુવિધા વગર, હરી-ફરી ન શકે તે રીતે ક્રૂરતાપૂર્વક અને પાસ-પરમિટ વગર ૧૫ જેટલા જીવ ભરેલા મળી આવ્યા હતા. ગાડીના ડ્રાઇવરની કડક પૂછપરછ કરતા તેણે આ જીવો કચ્છ બાજુથી ભરીને મોરબી ખાટકીવાસમાં કતલ કરવા માટે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ડ્રાઇવર અને તેની સાથે બેઠેલા અન્ય એક શખ્સ સહિત ઇકો ગાડી જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના બાદ મોરબી શહેરમાં અને હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તંત્ર દ્વારા “કોઈપણ કતલખાનાની પરમિશન આપવામાં આવી નથી” તેવા જવાબો આપવામાં આવે છે, પરંતુ તેમ છતાં જો પરમિશન ન હોય તો શહેરમાં આટલા મોટા પ્રમાણમાં જીવ કતલ માટે ક્યાં અને કેવી રીતે લાવવામાં આવે છે? શું મહાનગરપાલિકા આ બાબતે અજાણ છે કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરી રહી છે? તેવા અનેક સવાલો ગૌરક્ષકો અને સ્થાનિક હિન્દુ સમાજ દ્વારા પૂછવામાં આવી રહ્યા છે.આ સફળ કામગીરી મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ (દિલ્હી), રાષ્ટ્રીય સનાતન સેના, હિન્દુ યુવા વાહિની, ચોટીલા ગૌરક્ષક (ગુજરાત રાજ્ય) અને લીંબડી ગૌરક્ષકની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.










