MORBI:મોરબી-માળિયા હાઈવે પરથી કતલખાને જવાતી જીવભરેલી ઇકો ગાડી ઝડપાઈ: ૨૩ ઘેટાં મુક્ત કરાવાયા

MORBI:મોરબી-માળિયા હાઈવે પરથી કતલખાને જવાતી જીવભરેલી ઇકો ગાડી ઝડપાઈ: ૨૩ ઘેટાં મુક્ત કરાવાયા
મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ અને હિન્દુ યુવા વાહિનીના ગૌરક્ષકોએ પોલીસના સહયોગથી એક સરાહનીય કામગીરી પાર પાડી છે. કચ્છથી માળિયા થઈને રાજકોટ તરફ કતલ કરવાના ઇરાદે ક્રૂરતાપૂર્વક લઈ જવાતા ૨૩ જેટલા નાના-મોટા ઘેટાંઓને ગૌરક્ષકોએ ફિલ્મી ઢબે પીછો કરીને મુક્ત કરાવ્યા છે, સાથે જ એક આરોપી અને ઇકો ગાડીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવાઈ
મળતી વિગતો મુજબ, મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ (દિલ્હી-ગુજરાત) અને હિન્દુ યુવા વાહિનીની ગૌરક્ષા ટીમને એક ચોક્કસ માહિતી મળી હતી. બાતમી હતી કે કચ્છના કનૈયા બે વિસ્તારમાંથી એક ઇકો ફોરવીલ ગાડી (નંબર: GJ-03-LR-5449) માં ઘેટાંઓને કતલખાને લઈ જવાના ઇરાદે માળિયા થઈને મોરબી-રાજકોટ તરફ લઈ જવામાં આવી રહ્યા છે. આ માહિતીના આધારે ગૌરક્ષકોની ટીમ તુરંત જ માળિયા હાઈવે પર વોચમાં ગોઠવાઈ ગઈ હતી.લક્ષ્મીનગર નજીક ફિલ્મી ઢબે ગાડી રોકી જીવ બચાવાયા બાતમી મુજબની ઇકો ગાડી માળિયા પાસેથી પસાર થતાં જ ગૌરક્ષકોએ તેનો પીછો શરૂ કર્યો હતો. મોરબી પોલીસના સહયોગથી આ ગાડીને લક્ષ્મીનગર નજીક આંતરીને રોકી લેવામાં આવી હતી. ગાડીની તલાશી લેતાં તેમાં અત્યંત ક્રૂરતાપૂર્વક અને દયનીય હાલતમાં બાંધેલા ૨૩ જેટલા નાના-મોટા ઘેટાંઓ મળી આવ્યા હતા.મોરબી અને રાજકોટમાં કતલ કરવાનો હતો ઇરાદો
વાહન ચાલકની પ્રાથમિક પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે આ જીવોને કચ્છથી ભરવામાં આવ્યા હતા. જેમાંથી અડધા ઘેટાં મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં ઉતારવાના હતા અને બાકીના અડધા રાજકોટ કતલખાને લઈ જવાના હતા. આ હેરફેર માટે તેની પાસે પશુ વહન અંગેની કોઈ પણ પ્રકારની કાયદેસરની પરમિટ નહોતી.પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ગૌરક્ષકો અને પોલીસે તુરંત જ તમામ ૨૩ જીવોને ક્રૂરતાના ચુંગાલમાંથી મુક્ત કરાવી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. પોલીસે વાહન ચાલક (આરોપી)ની અટકાયત કરી, ગુનામાં વપરાયેલી ઇકો ગાડી કબજે લીધી છે. પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.
આ સફળ ઓપરેશનને પાર પાડવામાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ (દિલ્હી-ગુજરાત), હિન્દુ યુવા વાહિની અને કચ્છ ગૌરક્ષક ટીમના સભ્યો તેમજ મોરબી પોલીસનો મહત્વનો સહયોગ રહ્યો હતો. ગૌરક્ષકોની આ તત્પરતાને કારણે ૨૩ અબોલ જીવો મોતના મુખમાંથી બચી ગયા છે.








