HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના રાણેકપર ગામે : સરપંચના બુટલેગર પતિની દુકાનમાંથી ૬.૮૬ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

 

HALVAD:હળવદના રાણેકપર ગામે : સરપંચના બુટલેગર પતિની દુકાનમાંથી ૬.૮૬ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

 

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને એક મોટી સફળતા મળી છે. પોલીસે રાણેકપર ગામે એક દુકાનમાં દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં સ્થાનિક સરપંચના પતિ અને નામચીન બુટલેગર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ અને ખાનગી રાહે બાતમી મળી હતી કે, હળવદ પોલીસ સ્ટેશનના ચોપડે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ બુટલેગર અને રાણેકપર ગામના અગ્રણી તથા સરપંચના પતિ રાજકુમાર ઉર્ફે રાજુ નવઘણભાઈ ઉડેચાએ રાણેકપર ગામે આવેલી પોતાના કબ્જા ભોગવટાવાળી દુકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો સંગ્રહ કરી રાખ્યો છે.આ ચોક્કસ બાતમીના આધારે હળવદ પોલીસે રાણેકપર ગામે સદરહુ દુકાન પર આકસ્મિક રેઇડ કરી હતી.

પોલીસની તપાસ દરમિયાન દુકાનની અંદર સંતાડી રાખેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી અલગ-અલગ બ્રાન્ડની કુલ ૧૬૩૨ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે આ તમામ જથ્થો જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત રૂપિયા ૬,૮૬,૦૫૨/- આંકવામાં આવી છે.

દારૂના આ મસમોટા જથ્થા સાથે પોલીસે આરોપી રાજકુમાર ઉર્ફે રાજુ નવઘણભાઈ ઉડેચા (કોળી) (રહે. રાણેકપર, તા. હળવદ, જિ. મોરબી) વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કર્યો છે. આ ગેરકાયદેસર દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.

Back to top button
error: Content is protected !!