MORBI:મોરબી ICDS વિભાગમાં ભડકો: અધિકારીઓની જોહુકમી સામે સોમવારે 8 થી 10 આંગણવાડી વર્કરો સામૂહિક રાજીનામું ધરે તેવી શક્યતા!




MORBI:મોરબી ICDS વિભાગમાં ભડકો: અધિકારીઓની જોહુકમી સામે સોમવારે 8 થી 10 આંગણવાડી વર્કરો સામૂહિક રાજીનામું ધરે તેવી શક્યતા!

મોરબી તાલુકાના બગથળા સેજા હેઠળ આવતી ગોર ખીજડીયા આંગણવાડીના વર્કર સાથે આઇ.સી.ડી.એસ. (સંકલિત બાળ વિકાસ યોજના) વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. અધિકારીઓના આ પ્રકારના રોફ અને માનસિક ત્રાસથી કંટાળીને બગથળા સેજાની આશરે 8 થી 10 આંગણવાડી વર્કર અને હેલ્પરો સોમવારે સામૂહિક રાજીનામું આપે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે, જેને પગલે વહીવટી તંત્રમાં ભારે ગરમાવો આવી ગયો છે.
શું છે સમગ્ર વિવાદ?
મળતી માહિતી મુજબ, ગોર ખીજડીયા આંગણવાડીમાં આશરે 32 જેટલા ભૂલકાઓ અભ્યાસ કરે છે. આ બાળકો માટે દિવસમાં ત્રણ ટાઈમ નાસ્તો બનાવવામાં આવે છે. નિયમ મુજબ ICDS વિભાગ તરફથી વર્ષના માત્ર 3 ગેસના બાટલા ફાળવવામાં આવે છે, જ્યારે વાસ્તવિક જરૂરિયાત વર્ષે 7 બાટલાની રહે છે.
ખૂટતા ગેસ સિલિન્ડર અંગે આંગણવાડીના વર્કરે સ્થાનિક સરપંચને રજૂઆત કરી હતી. આથી, સરપંચે બાળકોના હિતમાં ICDS વિભાગના ઉચ્ચ અધિકારીઓ (પ્રોગ્રામ ઓફિસર અને સી.ડી.પી.ઓ.)ને આ સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી ત્યારે અધિકારીઓએ “હા, થઈ જશે” તેવો ઉપરછલ્લો જવાબ આપ્યો હતો.
મિટિંગમાં વર્કર સાથે ઉદ્ધત વર્તન અને રોફ જમાવ્યો
ગઈકાલે બગથળા સેજાની આંગણવાડી વર્કરોની એક મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગ પૂર્ણ થયા બાદ, ઉચ્ચ અધિકારીઓએ ગોર ખીજડીયા આંગણવાડીના વર્કર (જેઓ સરપંચના પત્ની પણ છે) સાથે અત્યંત ખરાબ અને ઉદ્ધત વર્તન કર્યું હતું. અધિકારીઓએ જાહેરમાં એવું સંભળાવ્યું કે, “તમારા ઘરના સરપંચ હોય તો અમને કોઈ ફરક નથી પડતો.” આ સાથે જ અન્ય કર્મચારીઓ પર પણ ખોટો રોફ જમાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
“બાળકોને ભણાવવા કે દાતાઓ શોધવા?” વર્કરોનો સવાલ
ICDS વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારી અને મનમાની અહીં જ નથી અટકતી. આંગણવાડી વર્કરોનો આક્ષેપ છે કે તેમને બાળકોના શિક્ષણની મૂળભૂત જવાબદારી ઉપરાંત હવે ગેસના બાટલા ખરીદવા માટે બહારથી ‘દાતાઓ’ શોધી લાવવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે! સરકારી યોજનામાં સુવિધા પૂરી પાડવાના બદલે આવી ફરજ પાડવામાં આવતા વર્કરોમાં ભારે રોષ છે.
મોટો સવાલ: જો સોમવારે સામૂહિક રાજીનામા પડશે, તો આંગણવાડીના માસૂમ બાળકોના ભવિષ્ય અને પોષણની જવાબદારી કોની? સુપરીયર અધિકારીઓની મનમાની સામે જિલ્લા કલેક્ટર કડક પગલાં લેશે કે નહીં? તે જોવું રહ્યું.



