MORBI:મોરબી જિલ્લાના મોટા દહીસરા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

MORBI:મોરબી જિલ્લાના મોટા દહીસરા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી: પ્રભારી મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ ધ્વજવંદન કરાવી સલામી ઝીલી
મંત્રીશ્રીએ સ્વતંત્રતા સેનાનીઓ અને શહીદોને નમન કરી મોરબીને દેશના અર્થતંત્રનું મહત્વપૂર્ણ ગ્રોથ એન્જિન ગણાવ્યું
માળિયા તાલુકાના વિકાસ અર્થે રૂ. ૨૫ લાખનો ચેક એનાયત: દેશ ભક્તિના કાર્યક્રમો અને પરેડ યોજાયા
૮૦મા સ્વાતંત્ર્ય પર્વ અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન સમારોહ માળિયા (મિયાણા) તાલુકાના મોટા દહીસરા ગામે હર્ષોલ્લાસ અને દેશભક્તિસભર માહોલમાં યોજાયો હતો. જ્યાં જિલ્લાના પ્રભારી તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી તેમજ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ દેશ માટે શહીદ થનાર વીરો અને મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમણે શ્રીમદ્ રાજચંદ્રજીની પાવન ભૂમિ અને વિશ્વભરમાં ‘સિરામિક સિટી’ તરીકે ઓળખાતા મોરબીના ખુમારી અને ઉદ્યોગ સાહસિકતાના વારસાને બિરદાવ્યો હતો અને મોરબીને વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન જણાવ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ડબલ એન્જિન સરકારના જનકલ્યાણકારી અભિગમથી મોરબીમાં શિક્ષણ, આરોગ્ય, માળખાકીય સુવિધાઓ અને ઉદ્યોગોનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. તેમણે ‘વિકસિત ભારત @ 2047’ ના સંકલ્પને સાકાર કરવા દરેક નાગરિકને સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સમરસતા થકી રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
આ સમારોહ દરમિયાન શાનદાર દેશભક્તિ અને સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ અવસરે મંત્રીશ્રીના હસ્તે કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેને માળિયા તાલુકાના વિકાસ અર્થે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી મનીષ કાંજીયા, કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર, પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. સુનિલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નવલદાન ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.












