HALVAD:હળવદ સસ્તા ભાવે સોનું-ચાંદી આપવાની લાલચ આપી પ લાખની ઠગાઈ, ૩ સામે ગુનો નોંધાયો

HALVAD:હળવદ સસ્તા ભાવે સોનું-ચાંદી આપવાની લાલચ આપી પ લાખની ઠગાઈ, ૩ સામે ગુનો નોંધાયો
રેલ્વેના ખોદકામ દરમિયાન સોનું અને ચાંદી મળ્યાનું કહી માર્કેટ રેટ કરતાં ૪૦ ટકા સસ્તા ભાવે આપવાની જાળ ફેંકી હળવદના એક વેપારી સાથે રૂ. ૫ લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નકલી સોનાનો હાર આપી રોકડ રકમ ઓળવી જનાર શાતીર ટોળકીના એક નામજોગ સહિત ત્રણ શખ્સો સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
૪૦ ટકા સસ્તા ભાવની લાલચ આપી જાળ બિછાવી
મળતી વિગતો અનુસાર, હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં રામદેવ હોટલ સામે રહેતા અને વેપાર કરતાં સવાઈરામ ઉર્ફે પંડિતજી બજરંગલાલ ઉપાધ્યાય (ઉ.વ.૨૫) નામના વેપારીને આરોપી વિજય સોમાભાઈ ભાલિયા (રહે. રાણપુર, બોટાદ) તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ સંપર્ક કર્યો હતો. આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી પોતાની પાસે રેલ્વેના ખોદકામ દરમિયાન મળેલો આશરે ૩ કિલો ચાંદીના સિક્કા અને ૧ કિલો સોનાનો હાર હોવાનું જણાવ્યું હતું. આ સોનું-ચાંદી બજારભાવ કરતાં ૪૦ ટકા ઓછા ભાવે આપવાની લાલચ આપી વેપારીને વિશ્વાસમાં લીધા હતા.
બે તબક્કામાં રૂ. ૫ લાખ મેળવી નકલી સોનું પધરાવ્યું
આરોપીઓએ ઠગાઈ આચરીને પ્રથમ રૂ. ૩ લાખ વેપારીની દુકાનેથી અને બાકીના રૂ. ૨ લાખ હાસલપુર ચોકડી પાસે આવેલ સ્મશાન નજીક મેળવી લીધા હતા. આમ, કુલ રૂ. ૫ લાખની રોકડ રકમ મેળવ્યા બાદ આરોપીઓએ વેપારીને નકલી સોનાનો હાર પધરાવી દીધો હતો.
પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થતાં જ વેપારી સવાઈરામે હળવદ પોલીસ સ્ટેશનમાં વિજય ભાલિયા અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.








