TANKARA:ટંકારાના વીરવાવ (ગણેશપર) ગામમાં ૫ વીઘા જમીન પર ગેરકાયદેસર કબ્જો કરનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

TANKARA:ટંકારાના વીરવાવ (ગણેશપર) ગામમાં ૫ વીઘા જમીન પર ગેરકાયદેસર કબ્જો કરનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ
ટંકારા તાલુકાના વીરવાવ (ગણેશપર) ગામમાં આવેલી ૦૫ વીઘા ખેતીની જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી, વાવેતર કરી આર્થિક ઉપજ મેળવતા શખ્સ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં જમીન પચાવી પાડવા અંગે (લેન્ડ ગ્રેબિંગ)ની ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર, મૂળ રાજકોટના મોરબી રોડ પર રહેતા દમયંતીબેન કૈલાશભાઈ દેવડા (ઉં.વ. ૩૭) દ્વારા આ મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે વીરવાવ (ગણેશપર) ગામના રહેવાસી આલજીભાઈ અમરાભાઈ ચાવડા નામના શખ્સ સામે આક્ષેપ કર્યો છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદીએ દસ્તાવેજ નંબર ૧૧૫/૨૦૨૫ થી વીરવાવ (ગણેશપર) ગામના સર્વે નંબર ૫૬૯ પૈકી ૨૩ પૈકી ૦૨ વાળી ૦૫ વીઘા (ક્ષેત્રફળ ૦-૮૦-૯૪ હેક્ટર-આર-ચો.મી.) ખેડાણ જમીન ખરીદ કરી હતી. આ જમીન પર આરોપી આલજીભાઈ ચાવડાએ ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી લીધો હતો અને તેમાં વાવેતર કરીને જમીન પચાવી પાડી હતી.આ બાબતે દમયંતીબેનની ફરિયાદના આધારે ટંકારા પોલીસે આરોપી આલજીભાઈ અમરાભાઈ ચાવડા વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ ૩, ૪(૧)(૩) અને ૫(ગ) હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








