HALVAD:હળવદમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસની રેડ: ૭૧૫ લીટર આથો ઝડપી બે શખ્સો સામે ગુનો નોંધાયો




HALVAD:હળવદમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસની રેડ: ૭૧૫ લીટર આથો ઝડપી બે શખ્સો સામે ગુનો નોંધાયો

હળવદ પોલીસે દેશી દારૂના દૂષણને ડામવા માટે લાલઆંખ કરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાયસંગપર ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે બે અલગ-અલગ જગ્યાએ સફળ દરોડા પાડીને દેશી દારૂ બનાવવાનો કુલ ૭૧૫ લીટર ઠંડો આથો ઝડપી પાડ્યો છે. જોકે, દરોડા દરમિયાન બંને આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેથી પોલીસે તેમને ફરાર દર્શાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાયસંગપર ગામની ભટેરી અને ટોકરાળુ સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે મોટા પાયે દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી. આ બાતમીના આધારે હળવદ પોલીસની ટીમે તાબડતોબ દરોડા પાડ્યા હતા.
પ્રથમ દરોડો (ભટેરી સીમ): બુધાભાઈ અમુભાઈ ચાવડા (રહે. રાયસંગપર)ના ભોગવટાવાળી જગ્યાએથી પોલીસે ૪૫૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ઝડપ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹૧૧,૨૫૦/- થાય છે.બીજો દરોડો (ટોકરાળુ સીમ): મહેશભાઈ કમાભાઈ ડાભી (રહે. રાયસંગપર)ના કબજાવાળી જગ્યાએથી પોલીસે ૨૬૫ લીટર ઠંડો આથો કબજે કર્યો હતો, જેની કિંમત આશરે ₹૬,૬૨૫/- છે. દરોડા દરમિયાન બંને સ્થળેથી કોઈ આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે કુલ ₹૧૭,૮૭૫/- ની કિંમતનો ૭૧૫ લીટર આથો નાશ કરી, બંને ફરાર આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


