MORBI:મોરબીના રંગપર-જીવાપર રોડ પર આવેલ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાંથી ૭ મોબાઈલની ચોરી: ગુનો દાખલ




MORBI:મોરબીના રંગપર-જીવાપર રોડ પર આવેલ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાંથી ૭ મોબાઈલની ચોરી: ગુનો દાખલ

મોરબી તાલુકાના રંગપર-જીવાપર રોડ પર આવેલા લુપ્ટેન સિરામિક કારખાનાની લેબર કોલોનીને તસ્કરોએ નિશાન બનાવી છે. રાત્રિના સમયે અજાણ્યા ચોર ઇસમે લેબર કોલોનીમાં ઘૂસી અલગ-અલગ રૂમમાંથી શ્રમિકોના કુલ ૭ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ જતાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકાના જેતપુર ગામે રહેતા અને મજૂર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા વિપુલભાઈ પ્રાગજીભાઈ અમૃતિયા (ઉં.વ.૪૩) એ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, મોડી રાત્રિના સમયે કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરવાના ઇરાદાથી લુપ્ટેન સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં ચોરી-છૂપીથી પ્રવેશ્યો હતો. ત્યારબાદ રૂમમાં સુતેલા શ્રમિકોના અલગ-અલગ કંપનીના કુલ ૭ નંગ મોબાઈલ ફોન (જેની અંદાજિત કિંમત રૂ. ૨૯,૦૦૦) ચોરી કરીને નાસી છૂટ્યો હતો.
આ બનાવ અંગે મજૂર કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


