MORBI:મોરબીમાં તસ્કરો બેફામ: સામાકાંઠે ડી-માર્ટથી પરત ફરતા પરિવારની મહિલાના ગળામાંથી ૧.૭૫ લાખના સોનાના ચેઇનની ચીલઝડપ







MORBI:મોરબીમાં તસ્કરો બેફામ: સામાકાંઠે ડી-માર્ટથી પરત ફરતા પરિવારની મહિલાના ગળામાંથી ૧.૭૫ લાખના સોનાના ચેઇનની ચીલઝડપ


મોરબી શહેરમાં લૂંટારુઓ અને તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી ચીલઝડપની વધુ એક ઘટના સામે આવી છે. મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલી ડી-માર્ટમાંથી ખરીદી કરીને એક્ટિવા પર પરત ફરી રહેલા એક મધ્યમવર્ગીય પરિવારને નિશાન બનાવી, બાઇક પર આવેલા અજાણ્યા બુકાનીધારી શખ્સે ચાલુ વાહને મહિલાના ગળામાંથી સોનાનો ચેઇન આંચકી લીધો હતો અને પળવારમાં રફુચક્કર થઈ ગયો હતો. આ અંગે ભોગ બનનાર પરિવારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગતો મુજબ, મોરબીના શનાળા રોડ પર આવેલી સત્યમપાન વાળી શેરી, ભક્તિનગરમાં રહેતા અને લાતી પ્લોટ મુનનગર ચોકમાં ‘સવેરા ટાઈમ્સ’ નામના ઘડિયાળના કારખાનામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ભાવેશભાઈ વિનુભાઈ મહેતા (ઉં.વ. ૫૧) એ અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ભાવેશભાઈ તેમના પત્ની સાથે સામાકાંઠે ડી-માર્ટમાંથી ખરીદી કરીને પોતાના એક્ટિવા મોટરસાયકલ પર પરત ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી મોટરસાયકલ પર આવેલા એક અજાણ્યા બુકાનીધારી શખ્સે ચાલુ એક્ટિવાએ તેમના પત્નીના ગળામાં પહેરેલો આશરે દોઢ તોલા સોનાનો ચેઇન (જેની અંદાજિત કિંમત ₹૧,૭૫,૦૦૦/- છે) ઝૂંટવી લીધો હતો અને લૂંટ ચલાવી નાસી છૂટ્યો હતો.
મધ્યમવર્ગીય પરિવારને ટાર્ગેટ કરીને ધોળા દિવસે કે જાહેર રોડ પર થયેલી આ ચીલઝડપની ઘટનાને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભાવેશભાઈ મહેતાની ફરિયાદના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ફંગોળીને તસ્કરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


