HALVAD:હળવદના રાયધ્રા ગામે મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

HALVAD:હળવદના રાયધ્રા ગામે મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
હળવદ તાલુકાના રાયધ્રા ગામે પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. દારૂનો આ જથ્થો ઢોરને નાખવાના નીણ (ચારા) નીચે બોક્સમાં છુપાવીને રાખવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી સ્થળ પર હાજર ન મળતા પોલીસે તેની સામે ગુનો નોંધી શોધોખોળ શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર, હળવદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે રાયધ્રા ગામે રહેતા હિતેશ દિનેશભાઈ ઉર્ફે દુલાભાઈ નંદેસરીયાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન મકાનની ઓસરીમાં તપાસ કરતા, ઢોરને નાખવાના નીણ નીચે છુપાવેલા પૂંઠાના બોક્સમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૩૫ બોટલ મળી આવી હતી.
પોલીસે રૂ. ૬,૧૯૦/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. જોકે, રેઇડ દરમિયાન આરોપી હિતેશ ઉર્ફે દુલાભાઈ હાજર મળી આવ્યો ન હતો. આ અંગે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








