MORBI:મોરબીના ખાનપર ગામે 108 ની ટીમે એમ્બ્યુલન્સમાં જ કરાવી જોડિયા બાળકોની ટ્વિન્સ ડિલિવરી: માતા અને નવજાત બાળકો સ્વસ્થ

MORBI:મોરબીના ખાનપર ગામે 108 ની ટીમે એમ્બ્યુલન્સમાં જ કરાવી જોડિયા બાળકોની ટ્વિન્સ ડિલિવરી: માતા અને નવજાત બાળકો સ્વસ્થ
108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની સમયસૂચકતા અને ઉત્કૃષ્ટ તબીબી કામગીરીનો વધુ એક પ્રેરણાદાયી કિસ્સો મોરબી જિલ્લામાંથી સામે આવ્યો છે. મોરબીના ખાનપર ગામ ખાતે સમયસર પહોંચેલી 108 ની ટીમે એમ્બ્યુલન્સમાં જ સગર્ભા મહિલાની સફળતાપૂર્વક નોર્મલ ટ્વિન્સ (જોડિયા) ડિલિવરી કરાવીને માતા અને બંને બાળકોનો જીવ બચાવ્યો છે.
આજે સવારે મોરબી તાલુકાના ખાનપર ગામમાંથી ઇમરજન્સી કૉલ મળતા જ GJ18GC0112 નંબરની 108 એમ્બ્યુલન્સ વિલંબ કર્યા વિના દર્દીના ઘરે પહોંચી ગઈ હતી. દર્દીને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા, તે દરમિયાન પ્રસૂતાની તબિયત વધુ નાજુક બનતા 108 ની ટીમે સ્થળ પર જ સુઝબુઝ વાપરી ડિલિવરી કરાવવાનો નિર્ણય લીધો હતો.
પ્રથમ બાળકનો જન્મ: સવારે 8:16 વાગ્યે બીજા બાળકનો જન્મ: સવારે 8:26 વાગ્યે 108 ના તબીબી નિષ્ણાંત ડૉ. રામાણી સર (ERCP) ના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં ફરજ પરના ઈ.એમ.ટી. (EMT) દિલીપ સોલંકી અને પાયલોટ જયદેવસિંહ જાડેજા દ્વારા અત્યંત કુશળતાપૂર્વક બાળકની ડિલિવરી કરાવવામાં આવી હતી.
પ્રસૂતિ બાદ માતા અને બંને નવજાત શિશુઓને તાત્કાલિક ધોરણે જરૂરી પ્રાથમિક સારવાર (RL 500 અને Inj. Oxytocin) આપવામા આવી હતી. ત્યારબાદ ત્રણેયને સુરક્ષિત રીતે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ માતા અને બંને નવજાત જોડિયા બાળકો હાલ એકદમ સ્વસ્થ અને સુરક્ષિત છે.108 ની ટીમની આ ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરીને પગલે સ્થાનિકો અને તબીબી વર્તુળો તરફથી દિલીપ સોલંકી અને જયદેવસિંહ જાડેજાની ટીમ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. 108 ની આ ત્વરિત સેવાએ ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે તેઓ ખરા અર્થમાં ‘દેવદૂત’ સમાન છે.








