MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના માળિયા વનાળીયા સોસાયટીમાં પાડોશી ભાઈઓનો આતંક: ઝઘડો શાંત પાડવા ગયેલા યુવક પર છરી અને ધોકા વડે જીવલેણ હુમલો

 

MORBI:મોરબીના માળિયા વનાળીયા સોસાયટીમાં પાડોશી ભાઈઓનો આતંક: ઝઘડો શાંત પાડવા ગયેલા યુવક પર છરી અને ધોકા વડે જીવલેણ હુમલો

 

 

મોરબીના સામાકાંઠે આવેલી માળિયા વનાળીયા સોસાયટીમાં પાડોશીઓ વચ્ચે ચાલી રહેલી બોલાચાલી શાંત પાડવા જવું એક યુવકને ભારે પડ્યું છે. ભાઈ-ભાભી સાથે ઝઘડો કરી રહેલા પાડોશી બે ભાઈઓને તેમ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા હુમલાખોરોએ યુવક પર છરી અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર યુવકે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠે માળિયા વનાળીયા વિસ્તારમાં રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા કમલેશ ઉર્ફે નિલેશભાઈ હરીભાઈ બાંભણવા (ઉં.વ. ૨૮)ના ભાઈ-ભાભી સાથે તેમના જ પાડોશમાં રહેતા પંકજભાઈ પાલાભાઈ બારોટ અને દિનેશભાઇ પાલાભાઈ બારોટ બોલાચાલી કરી રહ્યા હતા. આ દરમિયાન કમલેશભાઈ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પાડોશી ભાઈઓને ઝઘડો કે બોલાચાલી ન કરવા માટે સમજાવ્યા હતા.

 

સમજાવટ કરવા છતાં બંને આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને કમલેશભાઈને જેમ ફાવે તેમ ગાળો ભાંડવા લાગ્યા હતા. વાત આટલેથી ન અટકતા, આરોપી દિનેશભાઇ બારોટે કમલેશભાઈને પાછળથી પકડી લીધા હતા, જ્યારે પંકજભાઈએ તીક્ષ્ણ છરી કાઢી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. કમલેશભાઈએ બચાવ મુદ્રામાં છરી પકડવાનો પ્રયત્ન કરતા થયેલી ઝપાઝપીમાં તેમને છાતીના ભાગે, ડાબા ખંભા પાસે તેમજ ડાબા હાથમાં કાંડાથી કોણી વચ્ચે છરીના છરકા વાગતા લોહીલુહાણ થયા હતા.છરી વડે હુમલો કર્યા બાદ પણ આરોપીઓનો ગુસ્સો શાંત થયો ન હતો. આરોપી પંકજભાઈએ કમલેશભાઈને લાકડાના ધોકા વડે આડેધડ ફટકારી જમણા પગમાં મૂઢ ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ બંને આરોપીઓ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યા હતા.સમગ્ર લોહિયાળ ઘટના અંગે ઈજાગ્રસ્ત કમલેશભાઈ હરીભાઈ બાંભણવાએ આરોપી પંકજભાઈ પાલાભાઈ બારોટ તથા દિનેશભાઇ પાલાભાઈ બારોટ વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આઈ.પી.સી./બી.એન.એસ.ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!