SAGBARA

ડેડિયાપાડા–ઉમરપાડાને જોડતો નિંઘટ–બોરીપીઠા–ખેડીપાડા માર્ગ ખાડા અને કાદવથી બિસ્માર, સ્થાનિકોમાં ભારે રોષ,

ભારે વાહનોના ડાયવર્ઝનથી માર્ગની હાલત વધુ ખરાબ; વરસાદમાં અકસ્માતનો ભય, તાત્કાલિક સમારકામની ઉઠી માંગ,

 

 

ડેડિયાપાડા–ઉમરપાડાને જોડતો નિંઘટ–બોરીપીઠા–ખેડીપાડા માર્ગ ખાડા અને કાદવથી બિસ્માર, સ્થાનિકોમાં ભારે રોષ,

 

ભારે વાહનોના ડાયવર્ઝનથી માર્ગની હાલત વધુ ખરાબ; વરસાદમાં અકસ્માતનો ભય, તાત્કાલિક સમારકામની ઉઠી માંગ,

વાત્સલ્યમ સમાચાર

પ્રતિનિધિ : જેસિંગ વસાવા

 

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના નિંઘટ રોડથી બોરીપીઠા, ખેડીપાડા તેમજ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર પડેલા મોટા ખાડા, કાદવ અને ઊબડખાબડ સપાટીના કારણે રોજિંદા અવરજવર કરતા વાહનચાલકો, રાહદારીઓ તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગના સમારકામ માટે અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. પરિણામે સ્થાનિકોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જોવા મળી રહી છે.

હાલમાં નેત્રંગ તરફના માર્ગ પર બેડા કંપની નજીકનો બ્રિજ જર્જરિત બનતા ભારે વાહનોને આ માર્ગ પરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ઉપરાંત મોવી–ડેડિયાપાડા માર્ગ પર પણ ડાયવર્ઝન અમલમાં હોવાથી મોટી સંખ્યામાં માલવાહક વાહનો નિંઘટ–બોરીપીઠા–ખેડીપાડા માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. ભારે વાહનોની સતત અવરજવરથી રસ્તાની સ્થિતિ વધુ ખરાબ બની ગઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

વરસાદી માહોલમાં માર્ગ પર પાણી ભરાઈ જવાથી ખાડા દેખાતા નથી, જેના કારણે અકસ્માતની શક્યતા વધી ગઈ છે. ખાસ કરીને બે-ચક્રી વાહનચાલકો અને વિદ્યાર્થીઓ માટે આ માર્ગ જોખમી સાબિત થઈ રહ્યો છે.

સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે માર્ગનું સમારકામ કરી વાહનવ્યવહારને સુરક્ષિત બનાવવાની માંગ ઉઠાવી છે. હવે વરસાદી ઋતુ દરમિયાન માર્ગની આ દયનીય સ્થિતિ અંગે સંબંધિત તંત્ર કેટલા ઝડપથી પગલાં ભરે છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે.

Back to top button
error: Content is protected !!