GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સરકારી રોડ ઉપર દબાણ કે પછી RNBએ પ્રાઇવેટ જમીન ઉપર રોડ બનાવી ભ્રષ્ટાચાર આચર્યો ?

 

MORBI:સરકારી રોડ ઉપર દબાણ કે પછી RNBએ પ્રાઇવેટ જમીન ઉપર રોડ બની ભ્રષ્ટાચાર આચર્યો ?

મોરબીના વીરપરથી લીલાપર જતા મુખ્ય માર્ગ (ઓઆર પટેલ માર્ગ) પર હાલમાં શરૂ થયેલા એક બાંધકામને પગલે મોટો વિવાદ ઊભો થયો છે. નવા બનેલા રોડ પર જ આ પ્રકારે બાંધકામ શરૂ થઈ જતાં સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં આશ્ચર્ય સાથે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલાં જ કરોડોના ખર્ચે આ મુખ્ય માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો. રોડ હજુ તો માંડ વપરાશમાં આવ્યો છે ત્યાં જ રસ્તાની વચોવચ કે હદ પર બાંધકામ શરૂ કરી દેવાતાં સ્થાનિકોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. આ મામલે સરકારી બાબુઓની કામગીરી અને આયોજન સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

સ્થાનિકોમાં ચર્ચાતા મુખ્ય સવાલો અને આક્ષેપો આ સમગ્ર મામલે લોકોમાં ભારે આક્રોશ છે અને તંત્રની મિલીભગત હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

તંત્રની બેદરકારી કે ભૂલ? જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જ્યારે રોડ બનાવવામાં આવ્યો, ત્યારે માપણી કે નકશાના આયોજનમાં કોઈ મોટી ખામી રહી ગઈ હતી?

ખાનગી જમીન પર રોડ બન્યો? શું સરકારી તંત્રએ કોઈ ખાનગી માલિકીની જમીન પર યોગ્ય ચકાસણી કર્યા વગર જ રોડ બનાવી દીધો હતો, જેથી હવે જમીન માલિક પોતાનું બાંધકામ કરી રહ્યો છે?

 

અથવા તો શું રોડ બની ગયા પછી હવે કોઈ ભૂમાફિયા કે વગદાર આસામી દ્વારા રોડની સરકારી હદમાં ગેરકાયદેસર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે?

“જો રોડ સરકારી જમીન પર બન્યો હોય તો આ બાંધકામ ગેરકાયદેસર છે, અને જો જમીન ખાનગી હોય તો જનતાના ટેક્સના પૈસાથી બનેલો રોડ કેમ તોડવો પડે તેવી સ્થિતિ આવી? આ બંને સ્થિતિમાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે. તંત્ર તાત્કાલિક માપણી કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે તે જરૂરી છે.”

હાલ તો આ સમગ્ર વિવાદ મોરબીમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. જો જિલ્લા પંચાયત અને માર્ગ-મકાન વિભાગ આ મામલે વહેલી તકે સ્પષ્ટતા અને યોગ્ય તપાસ નહીં કરે, તો આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે.

Back to top button
error: Content is protected !!