MORBI:મોરબી ગ્રીન ચોકની ખોખાણી શેરીમાં ભાજપની સભા બાદ કચરાના ગંજ, સ્થાનિકોમાં ભારે રોષ




MORBI:મોરબી ગ્રીન ચોકની ખોખાણી શેરીમાં ભાજપની સભા બાદ કચરાના ગંજ, સ્થાનિકોમાં ભારે રોષ

‘કામ નહીં તો વોટ નહીં’ ના નારા સાથે રહિશોએ નેતાઓને શેરીમાં ન આવવા આપી ચેતવણી

મોરબી: મોરબીના હાર્દ સમાન ગ્રીન ચોક વિસ્તારમાં આવેલી ખોખાણી શેરીમાં તાજેતરમાં યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની સભા બાદ સફાઈ મુદ્દે સ્થાનિક રહિશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સભા પૂર્ણ થયા બાદ રસ્તા પર જ કચરો છોડી દેવામાં આવતા લોકોમાં તંત્ર અને પક્ષ સામે નારાજગી જોવા મળી રહી છે.
સમસ્યાઓનો ઉકેલ નથી, માત્ર સભાઓ થાય છે
સ્થાનિક રહિશોનો આક્ષેપ છે કે વર્ષોથી આ વિસ્તારમાં રોડ-રસ્તા અને ગટર જેવી મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો ઠેરના ઠેર છે. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે નેતાઓ સભાઓ ગજવે છે, પરંતુ સભા પૂરી થયા બાદ ફેલાયેલી ગંદકી સાફ કરવાની તસ્દી પણ લેવામાં આવતી નથી. સભાના કારણે ફેલાયેલા કચરાથી હાલ લોકોને અવરજવરમાં ભારે અગવડતા પડી રહી છે.

નેતાઓ માટે પ્રવેશબંધીની ચીમકી
રોષે ભરાયેલા લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “જ્યાં સુધી રોડ, રસ્તા અને ગટરના મૂળભૂત પ્રશ્નોનું કાયમી નિરાકરણ ન આવે, ત્યાં સુધી કોઈ પણ પક્ષના નેતાઓએ મત માંગવા માટે અમારી શેરીમાં આવવું નહીં.” ‘કામ નહીં તો વોટ નહીં’નો ગુંજારવ
હાલ ખોખાણી શેરીના રહિશોમાં ‘કામ નહીં તો વોટ નહીં’નું સૂત્ર ફરી એકવાર ગુંજી રહ્યું છે. સ્થાનિકોએ એકસૂરે તંત્ર અને શાસક પક્ષ સામે વિરોધ નોંધાવતા કહ્યું છે કે જો પ્રાથમિક સુવિધાઓ નહીં મળે તો આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરતા પણ અચકાશે નહીં.

હવે જોવાનું એ રહે છે કે જનતાના આ આક્રોશ બાદ તંત્ર સફાઈ અભિયાન હાથ ધરે છે કે પછી નેતાઓ હજુ પણ આંખ આડા કાન કરે છે.



