MORBI:આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો

MORBI:આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો: કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી
ઘોડાધ્રોઈ નદીના કોઝ-વે પરથી પાણી ઉતરી જતાં બંધ કરાયેલો રસ્તો વાહનચાલકો માટે પુનઃ ખુલ્લો મુકાયો
ઓવરટોપિંગ ધરાવતા જોખમી માર્ગો પર ચુસ્ત બેરિકેટિંગ અને પોલીસ બંદોબસ્ત સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના
MORBI જિલ્લામાં ભારે વરસાદના પગલે સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવેલા માર્ગો પરથી પૂરના પાણી ઓસરતાં જ વહીવટી તંત્ર દ્વારા વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અન્વયે આદરણા થી સનાળા (તળાવીયા) વચ્ચેના માર્ગ પર આવેલી ઘોડાધ્રોઈ નદીના કોઝ-વે પરથી પાણીનું સ્તર ઘટતાં જ બંધ કરાયેલો રસ્તો સલામત રીતે પુનઃ શરૂ કરવામાં આવ્યો છે. વાહનવ્યવહારની સ્થિતિ અને માર્ગની સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે એ સ્થળ મુલાકાત લઈ પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.
મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરીને સૂચના આપી હતી કે, જિલ્લામાં હજી પણ જે રસ્તાઓ કે કોઝ-વે પરથી પાણીનું ઓવરટોપિંગ થઈ રહ્યું હોય, ત્યાં નાગરિકોની સલામતી અર્થે જો બેરીકેટિંગ ન હોય તો તાકીદે બેરિકેટિંગ મૂકી વાહનવ્યવહાર અટકાવવો તથા જરૂર જણાય ત્યાં પોલીસ સુરક્ષા તૈનાત કરવી.
આ સ્થળ તપાસ દરમિયાન મોરબી પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જેતાવત, ડિઝાસ્ટર મામલતદારશ્રી અલ્પેશ પરમાર, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી દિવ્યેશ બાવરવા તથા સિંચાઈ વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેરશ્રી હરદીપ છૈયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










