TANKARA:ટંકારાના સાવડી ગામમાં વહેલી સવારે પંચાયતનું જર્જરીત ક્વાર્ટર ધરાશાયી: મોટી જાનહાનિ ટળી




TANKARA:ટંકારાના સાવડી ગામમાં વહેલી સવારે પંચાયતનું જર્જરીત ક્વાર્ટર ધરાશાયી: મોટી જાનહાનિ ટળી


સાવડી ગામમાં આજે વહેલી સવારે એક મોટી હોનારત સર્જાતા-સર્જાતા રહી ગઈ છે. સવારે અંદાજે 4 વાગ્યે પંચાયતના બે જૂના અને જર્જરીત ક્વાર્ટર્સ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા હતા. વહેલી સવારે સર્જાયેલા આ ધડાકાનો અવાજ એટલો ભયાનક હતો કે આસપાસના સ્થાનિક રહીશો ફફડીને જાગી ગયા હતા. આ દુર્ઘટનામાં બાજુમાં આવેલા એક મકાનને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. સદનસીબે આ ઘટના વહેલી સવારે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો આ બનાવ દિવસ દરમિયાન બન્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અત્યારે બે ક્વાર્ટર તો તૂટી પડ્યા છે, પરંતુ તેની બાજુમાં આવેલા અન્ય 4 ક્વાર્ટર્સ પણ અત્યંત જર્જરીત હાલતમાં ઊભા છે અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે. જો આ બાકીના ક્વાર્ટર્સ પણ પડશે, તો આજુબાજુ રહેતા સામાન્ય નાગરિકોના મકાનોને વ્યાપક નુકસાન થવાની અને લોકોના જીવ જોખમમાં મુકાવાની પૂરેપૂરી સંભાવના છે. એક સામાન્ય વરસાદમાં આ દીવાલો ધરાશાયી થઈ ગઈ, તે જ દર્શાવે છે કે આ બાંધકામ કેટલું જૂનું અને જોખમી બની ગયું હતું.
આ ઘટના પાછળ વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને આળસ સીધી રીતે જવાબદાર હોવાનો આક્રોશ ગામલોકો ઠાલવી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી ગામના સરપંચ દ્વારા તલાટીને આ જર્જરીત ક્વાર્ટર્સ પાડી દેવા માટે મૌખિક તેમજ લેખિતમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ સરકારી અધિકારીઓ માત્ર એકબીજા પર દોષનો ટોપલો ઢોળતા રહ્યા: તલાટીનો જવાબ: “અમે અમારું કામ કરીને ફાઈલ તાલુકા કક્ષાએ પહોંચાડી દીધી છે.”તાલુકા એન્જિનિયરનો જવાબ: “અમે દરખાસ્ત જિલ્લા કક્ષાએ મોકલી આપી છે.”સ્થાનિકોનો સવાલ છે કે જે જોખમ સામાન્ય નાગરિકોને દેખાતું હતું, તે એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓને કેમ ન દેખાયું? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને લોકોના મોતની રાહ જોઈને બેઠું હતું?અત્યારે તો કુદરતી રીતે મોટી જાનહાનિ ટળી છે, પણ હવે જોવાનું એ રહે છે કે આ ઘટના બાદ પણ ઊંઘતું વહીવટી તંત્ર જાગશે કે પછી બાકીના 4 ક્વાર્ટર્સ પડે અને કોઈનો જીવ જાય ત્યાં સુધી બહાનાબાજી ચાલુ રાખશે.




