GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI:તંત્ર ઊંઘમાં, જનતા ખાડામાં! મોરબી-રાજકોટ હાઇવેના મુદ્દે ઉદ્યોગકારોનો આક્રોશ ફાટ્યો

 

MORBI:તંત્ર ઊંઘમાં, જનતા ખાડામાં! મોરબી-રાજકોટ હાઇવેના મુદ્દે ઉદ્યોગકારોનો આક્રોશ ફાટ્યો

મોરબી-રાજકોટ હાઇવેનું કામ આખરે કરશે કોણ અને ક્યારે?

સરકારના મોટા-મોટા વિકાસના દાવાઓ વચ્ચે મોરબી-રાજકોટ હાઈવેની સ્થિતિ જોઈને શરમ પણ શરમાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. મસમોટા ખાડાઓ અને તૂટેલા રસ્તાઓથી કંટાળીને આજે સવારે સ્થાનિક ઉદ્યોગકારોએ લજાઈ ચોકડી પાસે ચક્કાજામ કર્યો હતો. જોકે, તંત્ર પેટનું પાણી પણ ન હલાવતું હોવાનું ભાન થતાં, ઉદ્યોગકારોએ થોડી જ વારમાં આ આંદોલન આટોપી લઈ જાતે જ રસ્તો ખોલી નાખવો પડ્યો હતો!

મળતી માહિતી મુજબ મોરબી-રાજકોટ હાઈવે પર પડેલા મસમોટા ખાડાઓ અને રસ્તાની બિસ્માર હાલતથી કંટાળીને આજે સવારે સ્થાનિક ઉદ્યોગકારોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઉદ્યોગકારોએ લજાઈ ચોકડી પાસે એકત્ર થઈને રસ્તા રોકો આંદોલન કરી ‘ચક્કાજામ’ કર્યો હતો. જોકે, થોડી જ વારમાં ઉદ્યોગકારોએ જાતે જ આ ચક્કાજામ ખોલી નાખતા વાહનચાલકો અને સ્થાનિકોમાં અચરજ સર્જાયું હતું.

મગરની પીઠ જેવા રસ્તાથી વાહનચાલકો ત્રાહિમામ :મોરબીથી ટંકારા વચ્ચેના હાઈવે પર ઠેર-ઠેર ગાબડાં પડી જતાં આખો રોડ મગરની પીઠ જેવો બની ગયો છે. દરરોજ અજમાવાતા આ ખતરનાક રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિક લોકો અને ઉદ્યોગકારોમાં આ મુદ્દે ભારે રોષ વ્યાપી ગયો છે.

માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી :રાજકોટ માર્ગ અને મકાન વિભાગની ઘોર લાપરવાહી સામે આવતા લોકોમાં ભારે નારાજગી છે. અધિકારીઓ કલેક્ટર, ધારાસભ્ય કે મુખ્યમંત્રીને પણ ગાંઠતા ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લોકો દ્વારા અનેકવાર લેખિત રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં, તંત્રના એકપણ અધિકારીએ જવાબ આપવાની કે સંકલન સાધવાની તસ્દી લીધી નથી.

કાગળ પર ‘સબ સલામત’, જમીન પર ‘ખાડા રાજ’! જમીની વાસ્તવિકતા સાવ વિપરીત હોવા છતાં કાર્યપાલક ઈજનેર દ્વારા કાગળ પર બધું જ બરાબર હોવાના પોકળ દાવા કરવામાં આવી રહ્યા છે.જનતાનો એક જ સવાલ: કામ કોણ અને ક્યારે કરશે? લોકોનો આક્રોશ સતત ભભૂકી રહ્યો છે ત્યારે પ્રશાસનની આટલી નિષ્ઠુરતા અને નાકામી સામે આવ્યા પછી હવે મોટો સવાલ એ ઊભો થાય છે કે – આ બિસ્માર રોડનું કામ કોઈ કરશે કે પછી લોકો ખાડામાં પડીને મરતા રહેશે? તંત્ર જાગશે કે પછી કોઈ મોટા અકસ્માતની વાટ જોશે?

Back to top button
error: Content is protected !!