HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ તાલુકાના પીએમ પોષણ યોજનાના વિવિધ કેન્દ્રોમાં સંચાલકની ખાલી જગ્યાઓ માટે ૧ જૂન સુધી અરજી કરી શકાશે

 

HALVAD:હળવદ તાલુકાના પીએમ પોષણ યોજનાના વિવિધ કેન્દ્રોમાં સંચાલકની ખાલી જગ્યાઓ માટે ૧ જૂન સુધી અરજી કરી શકાશે

હળવદ મામલતદાર કચેરીની પીએમ પોષણ શાખા ખાતેથી રૂબરૂ ફોર્મ મેળવી જરૂરી આધારો સાથે જમા કરાવવાનું રહેશે

હળવદ તાલુકામાં પી.એમ. પોષણ યોજના (મધ્યાહ્ન ભોજન યોજના) હેઠળના વિવિધ કેન્દ્રોમાં સંચાલક (વ્યવસ્થાપક) ની ખાલી પડેલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા સ્થાનિક ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી છે. હળવદ મામલતદાર કચેરી દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદી મુજબ, રસ ધરાવતા ઉમેદવારો આગામી તારીખ ૦૧/૦૬/૨૦૨૬ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન (જાહેર રજાઓ સિવાય) પોતાની અરજીઓ સબમિટ કરી શકશે.

 

હળવદ તાલુકાના કેન્દ્ર નં. ૮ – ચંદ્રગઢ, કેન્દ્ર નં. ૧૦ – મંગળપુર, કેન્દ્ર નં. ૧૦૫ – કૃષ્ણનગર (ઘનાળા) અને કેન્દ્ર નં. ૧૧૪ – માધવનગર (ટીકર-રણ) એમ કુલ ૪ પીએમ પોષણ કેન્દ્રો માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે માટે ઉમેદવારની ઉંમર લઘુતમ ૨૦ વર્ષથી ઓછી અને મહત્તમ ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ. તમામ માટે છૂટછાટ સાથેની મહત્તમ વય મર્યાદા ૬૦ વર્ષની રહેશે. આ જગ્યા માટે ઉમેદવાર એસ.એસ.સી. (ધોરણ-૧૦) પાસ હોવા અનિવાર્ય છે. જો સંબંધિત ગામમાં ધોરણ-૧૦ પાસ ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો જ ધોરણ-૭ પાસ ઉમેદવારને છૂટછાટ આપવામાં આવશે. માત્ર જે-તે કેન્દ્રના સ્થાનિક ઉમેદવાર જ અરજી કરવા માટે પાત્ર રહેશે અને કોઈ પણ ઉમેદવાર એક કરતાં વધુ કેન્દ્ર માટે અરજી કરી શકશે નહીં.

 

પારદર્શિતા જાળવી રાખવાના હેતુથી સરકારશ્રીના નિયમોનુસાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કે પંચાયતમાં ચૂંટાયેલા હોદ્દો ધરાવતા પદાધિકારીઓ, રાજ્ય/કેન્દ્ર સરકારની કે જાહેર સાહસ હેઠળની સંસ્થાઓમાં નોકરી કરતા અથવા અનુદાનિત સંસ્થામાંથી માનદ વેતન મેળવતા કર્મચારીઓ, સરકારી કર્મચારીઓના આશ્રિતો (પતિ, પત્ની, પુત્ર કે પુત્રી), સસ્તા અનાજની દુકાન ધરાવતા ધારકો, અનાજ દળવાની ઘંટી ચલાવતા વેપારીઓ તેમજ શાકભાજી, મરી-મસાલા કે જલાઉ લાકડાનો વ્યવસાય કરતા નાગરિકો અને હોમગાર્ડ/ગૃહ રક્ષણ દળના સભ્યો તથા વકીલાતનો વ્યવસાય કરતા વકીલશ્રીઓ, અગાઉ સરકારી સેવામાંથી નિવૃત્ત થયેલા કે બરતરફ (ડિસ્મિસ) કરાયેલા કર્મચારીઓ આ જગ્યા માટે અરજી કરી શકશે નહીં.

 

લાયકાત ધરાવતા ઉમેદવારોએ ‘મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી, પી.એમ. પોષણ શાખા, હળવદ’ ખાતેથી રૂબરૂ આવીને નિયત નમૂનાનું ફોર્મ મેળવી લેવાનું રહેશે. ભરેલા ફોર્મ સાથે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), માર્કશીટ, સ્થાનિક રહેઠાણનો પુરાવો તથા અન્ય જરૂરી સક્ષમ અધિકારીના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો જોડીને તા. ૦૧/૦૬/૨૦૨૬ ના રોજ કચેરી સમય સુધીમાં પરત જમા કરાવવાનું રહેશે.

 

પાત્રતા ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુની તારીખ અને સમય અંગે કચેરી દ્વારા પાછળથી જાણ કરવામાં આવશે. ઉમેદવારે ઇન્ટરવ્યુમાં પોતાના ખર્ચે હાજર રહેવાનું રહેશે અને આ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની રાજકીય ભલામણ સ્વીકાર્ય નથી. નિયત કરાયેલા ઇન્ટરવ્યુમાં જે ઉમેદવાર જાતે હાજર રહેવામાં કસુર કરશે, તેઓ આ જગ્યા માટે ઈચ્છુક નથી તેમ માનીને તેમની અરજી તાત્કાલિક દફતરે (રદ) કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવા હળવદ મામલતદારશ્રી નિધિ રાઠોડની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!