દહેજ-ભરૂચ રોડ પરથી શંકાસ્પદ લોખંડના સળિયા જપ્ત:15,450 કિલો વજનના સળિયા સાથે ટેમ્પો ઝડપાયો, કોઈ દસ્તાવેજ ન મળતાં 8.63 લાખનો મુદ્દામાલ કબજે

ભરૂચ જિલ્લાના દહેજ-ભરૂચ ફોરલેન રોડ પરથી એસ.ઓ.જી. ભરૂચની ટીમે શંકાસ્પદ રીતે લોખંડના સળિયાનો જથ્થો લઈ જતા એક ટેમ્પોને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ટેમ્પોમાંથી 15,450 કિલોગ્રામ વજનના લોખંડના સળિયા મળી આવ્યા હતા. આરોપી પાસેથી આ મુદ્દામાલ અંગે કોઈપણ પ્રકારના કાયદેસર દસ્તાવેજ ન મળતાં પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. એસ.ઓ.જી. ભરૂચના પીઆઈ એ.એ.ચૌધરીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પો (નં. GJ-27-X-3812) દહેજ-ભરૂચ રોડ પરથી વેસદરા નજીકથી ભંગારના લોખંડના સળિયા ભરીને વિલાયત-વાગરા માર્ગે અમદાવાદ તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વિલાયત ચોકડી નજીક વોચ ગોઠવી ટેમ્પોને અટકાવી તપાસ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન ટેમ્પોમાંથી મોટો જથ્થો લોખંડના સળિયા મળી આવ્યો હતો. આ મુદ્દામાલ અંગે ડ્રાઈવર પાસેથી ખરીદી બિલ કે કાનૂની દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા. પરંતુ તેણે સંતોષકારક જવાબ ન આપતા સમગ્ર માલ શંકાસ્પદ માનીને BNSS કલમ 106 મુજબ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે ટેમ્પો ચલાવતા ઈસમ રાજેન્દ્રસિંહ ભુરસિંહ ભાટી (ઉ.વ. 27), હાલ રહે. હંસપુરા, નાના ચીલોડા, અમદાવાદ અને મૂળ નિવાસી રાજસમંદ, રાજસ્થાનને BNSS કલમ 35(1)(ઇ) હેઠળ અટક કરી છે. કુલ રૂ. 8.63 લાખની કિંમતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.



