MORBI:મોરબીના ગોર ખીજડીયા પ્રાથમિક શાળા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી: દેશભક્તિ સાથે પર્યાવરણ જતનનો સંદેશ અપાયો

MORBI:મોરબીના ગોર ખીજડીયા પ્રાથમિક શાળા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી: દેશભક્તિ સાથે પર્યાવરણ જતનનો સંદેશ અપાયો
ગોર ખીજડીયા ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક અને દેશભક્તિસભર માહોલમાં કરવામાં આવી હતી. આ નિમિત્તે ગ્રામજનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમ હરજીવનભાઈ મોરડિયાના વરદ હસ્તે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને અદબથી સલામી આપી હતી અને માતૃભૂમિની આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર શહીદ વીરોને શ્રદ્ધાસુમન અર્પણ કરી વંદન કર્યા હતા.
હરિયાળા વાતાવરણ વચ્ચે અનોખી ઉજવણી આ વખતની આઝાદી પર્વની ઉજવણીમાં દેશપ્રેમની સાથે પર્યાવરણ સંરક્ષણનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. શાળા પરિસરને વિવિધ પ્રકારના રંગબેરંગી ફૂલ-છોડ અને વૃક્ષોના રોપાઓથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. શાળાના આ હરિયાળા વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તેવો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પરિસર માં તિરંગાના રંગો અને પ્રાકૃતિક હરિયાળીનું મનમોહક સંયોજન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઉજવણીના અંતે ઉપસ્થિત સૌ આગેવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે કટિબદ્ધ રહેવાના સંકલ્પ સાથે કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.












