MORBI:મોરબી દારૂ વેચવાની ખોટી અફવા ફેલાવનાર શખ્સને ઠપકો આપતા શ્રમિક પર હુમલો, માથું ફોડી નાખ્યું





MORBI:મોરબી દારૂ વેચવાની ખોટી અફવા ફેલાવનાર શખ્સને ઠપકો આપતા શ્રમિક પર હુમલો, માથું ફોડી નાખ્યું

મોરબી: શહેરના ચામુંડાનગર વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવકને દારૂ વેચવા બાબતે બદનામ કરી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ખોટી વાતો ફેલાવવા બદલ ઠપકો આપતા ઉશ્કેરાયેલા શખ્સે નળિયાના ટુકડા વડે હુમલો કરી શ્રમિકનું માથું ફોડી નાખ્યું હતું. આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર, મોરબીના સો-ઓરડી વિસ્તારમાં આવેલી ચામુંડાનગર સોસાયટીમાં રહેતા ૪૨ વર્ષીય મગનભાઈ નાનજીભાઈ સોલંકી મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આ જ વિસ્તારમાં રહેતા રમેશભાઈ જેઠાભાઈ ચાવડા નામના શખ્સે મગનભાઈ સમાજમાં દારૂ વેચતા હોવાની ખોટી વાતો ફેલાવી તેમને બદનામ કરવાનું શરૂ કર્યું હતું.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી રમેશભાઈ ફરિયાદી મગનભાઈને પોતાની સાથે આવવા-જવા અને રહેવા માટે દબાણ કરતો હતો. જોકે, મગનભાઈએ તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “હું મજૂરીકામ કરું છું અને તું બધે મારી ખોટી વાતો કરી મને બદનામ કરે છે, મારે તારી સાથે આવવું નથી.”
આ વાતથી ઉશ્કેરાયેલા રમેશ ચાવડાએ જાહેરમાં ગાળાગાળી શરૂ કરી હતી અને મગનભાઈને બે-ત્રણ ઝાપટો મારી દીધી હતી. એટલું જ નહીં, ઉશ્કેરાટમાં આવી નજીકમાં પડેલા નળિયાનો ટુકડો ઉપાડી મગનભાઈના માથામાં ઝીંકી દીધો હતો, જેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. હુમલો કર્યા બાદ આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ઈજાગ્રસ્ત મગનભાઈ સોલંકીની ફરિયાદના આધારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે આરોપી રમેશભાઈ જેઠાભાઈ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે



