RAJKOT:ચૂંટણી પહેલા રાજકોટ રેન્જ પોલીસનો મોટો સપાટો: કપાસિયાની આડમાં લઈ જવાતો ₹1.46 કરોડનો દારૂ ઝડપાયો




RAJKOT:ચૂંટણી પહેલા રાજકોટ રેન્જ પોલીસનો મોટો સપાટો: કપાસિયાની આડમાં લઈ જવાતો ₹1.46 કરોડનો દારૂ ઝડપાયો

ચોટીલા પાસે ટ્રકમાંથી વિદેશી દારૂની 10,740 બોટલ મળી આવી; ભાણવડના શખ્સની ધરપકડ

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જ આઈ.જી.પી. શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા આપેલી કડક સૂચનાના પગલે રાજકોટ રેન્જ ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. ચોટીલા નજીક જાનીવડલા ગામના પાટીયા પાસેથી પોલીસે કપાસિયાની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતો ₹1.28 કરોડની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.
રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર પી.એન. મોરી, બી.સી. મીયાત્રા અને સી.એમ. કાંટેલીયાની ટીમ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સ દ્વારા તપાસમાં હતી. આ દરમિયાન સ્ટાફના કમલેશભાઇ રબારી અને સંદિપસિંહ ઝાલા સહિતની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ તરફ એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય થઈ રહ્યો છે.

પોલીસે વોચ ગોઠવીને ટાટા કંપનીનો ટ્રક (નં. GJ-10-TT-6183) રોકી તેની તલાશી લેતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી: ‘અંકલ ટોમ’ બ્રાન્ડની 750 MLની કુલ 10,740 બોટલ (કિંમત ₹1,28,૮૮,૦૦૦/-) ટ્રક, કપાસિયાની બોરીઓ, મોબાઈલ અને રોકડ રકમ.કુલ રકમ: ₹1,46,59,300/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

પોલીસે સ્થળ પરથી ટ્રક ડ્રાઇવર સાહીદ જુસબભાઇ હિંગોરા (રહે. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા) ની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ જથ્થો ચનાભાઇ દેવાભાઇ રબારી (રહે. રાણપર, ભાણવડ) દ્વારા મોકલવામાં આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર અને મંગાવનાર તમામ શખ્સો વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ સફળ કામગીરીમાં એ.એસ.આઈ. સંદિપસિંહ ઝાલા, કાસમભાઈ બ્લોચ, પો.કોન્સ. મિતેષભાઈ પટેલ, દિનેશભાઈ ગઢવી, યોગેન્દ્રસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.



