AHAVADANG

ડાંગ:ખાડી યુદ્ધના પગલે બાંધકામ સામગ્રીમાં વધારો થતા કોન્ટ્રાક્ટરોની મુશ્કેલીઓ વધતા ડાંગ કલેકટરને રજૂઆત…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં બાંધકામ ક્ષેત્રે વધતી આર્થિક મુશ્કેલીઓ વચ્ચે ડાંગ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશને જિલ્લા કલેક્ટરને સંબોધીને એક મહત્વપૂર્ણ આવેદનપત્ર રજૂ કર્યું છે. વૈશ્વિક પરિસ્થિતિ અને ખાસ કરીને ખાડી યુદ્ધના પ્રભાવને કારણે બાંધકામ સામગ્રીના ભાવોમાં થયેલા અચાનક અને ભારે વધારાને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

એસોસિએશનના જણાવ્યા અનુસાર, હાલ બિટુમિન, સિમેન્ટ, સ્ટીલ, ડીઝલ, પેટ્રોલ, ક્રશર ધોળ, એગ્રીગેટ તેમજ ઇલેક્ટ્રિકલ સામગ્રીના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથે જ પરિવહન ખર્ચ પણ વધી જતા અગાઉ ટેન્ડર સમયે નક્કી કરાયેલા દર અને હાલની પરિસ્થિતિ વચ્ચે મોટો અંતર ઉભો થયો છે, જેના કારણે કોન્ટ્રાક્ટરોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.

રજુઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોન્ટ્રાક્ટરો રોડ, પુલ, ડેમ, કેનાલ, પાઇપલાઇન, ઇમારતો, એરપોર્ટ, હોસ્પિટલો અને ઇલેક્ટ્રિકલ સુવિધાઓ જેવા મહત્વપૂર્ણ વિકાસ કાર્યોમાં જોડાયેલા છે. જો હાલની પરિસ્થિતિ યથાવત રહેશે તો વિકાસ કાર્યોની ગતિ ધીમી પડી શકે છે અને સાથે લાખો મજૂરોની રોજગારી પર પણ ગંભીર અસર પડી શકે છે.

એસોસિએશને પોતાની મુખ્ય માંગણીઓમાં સરકાર પાસે વિશેષ નાણાકીય સહાય અથવા વળતર પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. ઉપરાંત, વાસ્તવિક બજારભાવ મુજબ એસ્કલેશન અને બિલિંગની સુવિધા આપવી તથા ચાલુ કામોમાં સમયમર્યાદામાં વધારો કરીને કોઈપણ પ્રકારની પેનલ્ટી ન લગાવવાની પણ માંગ કરવામાં આવી છે.

આ સાથે એસોસિએશને જિલ્લા કલેક્ટર પાસે ચર્ચા માટે સમય ફાળવવાની વિનંતી કરી છે, જેથી હાલની ગંભીર પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરીને યોગ્ય માર્ગદર્શન મળી શકે.

Back to top button
error: Content is protected !!