MORBI:મોરબીમાં ચારિત્ર્યની શંકામાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: પત્નીની પથ્થરના ઘા ઝીંકી અને ગળું દબાવી નિર્મમ હત્યા




MORBI:મોરબીમાં ચારિત્ર્યની શંકામાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: પત્નીની પથ્થરના ઘા ઝીંકી અને ગળું દબાવી નિર્મમ હત્યા

મોરબીના મારબીજ સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતા અને માત્ર દોઢ મહિના પહેલાં જ પ્રેમલગ્ન કરનાર મધ્યપ્રદેશના શ્રમિક દંપતી વચ્ચે ચારિત્ર્યની શંકામાં લોહિયાળ ખેલ ખેલાયો છે. પતિએ પત્ની પર અન્ય યુવક સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી, આવેશમાં આવી જઈ પથ્થરના ઘા ઝીંકી અને ગળું દબાવીને તેની નિર્મમ હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વડોદરા નજીક એક કંપનીમાં રહેતા શિવકુમાર પ્રેમલાલ મરાવિ (ઉં.વ. ૩૮) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મૃતક રેખા ઉર્ફે રીયા અને આરોપી મહેન્દ્રસિંહે દોઢેક મહિના પહેલાં જ પરસ્પરની સંમતિથી પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ દંપતી મોરબીના મારબીજ સીરામિક કારખાનામાં શ્રમિક તરીકે સાથે રહીને કામ કરતું હતું.
કારખાનામાં જ કામ કરતા દિલભર યાદવ નામના એક અન્ય યુવક સાથે રેખાબેન વાતચીત કરતા હતા. આ બાબતને લઈને પતિ મહેન્દ્રસિંહને તેની પત્ની પર લફરું હોવાનો તીવ્ર શક-વહેમ ગયો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં આરોપી મહેન્દ્રસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને આવેશમાં આવીને પત્નીને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરી દીધો હતો.
આરોપીએ મારવાના ઈરાદે રેખાબહેનને માથા તથા કપાળના ભાગે એક મોટા બેલા જેવા પથ્થરના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા, જેથી તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આટલેથી જ ન અટકતા, આરોપીએ રેખાબહેનનું ગળું દબાવીને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજાવી નિર્મમ હત્યા કરી નાખી હતી.આ ચકચારી ઘટના અંગે પોલીસે શિવકુમાર મરાવિની ફરિયાદના આધારે આરોપી પતિ મહેન્દ્રસિંહ મરકામ વિરુદ્ધ આઈ.પી.સી./ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી, તેને ઝડપી પાડવા અને આગળની તપાસ હાથ ધરવા ચક્રો ગતિમાન કર્યા છે.


