MORBI:મોરબીના વીરપરડામાં હર્ષોલ્લાસ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી

MORBI:મોરબીના વીરપરડામાં હર્ષોલ્લાસ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી
મોરબી તાલુકાના વીરપરડા ગામમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિના ઉત્સાહભર્યા માહોલમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ગામની પ્રાથમિક શાળાના પ્રાંગણમાં આયોજિત આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે મુખ્ય અતિથિ શ્રી મહાવીરસિંહ જાડેજાના વરદ હસ્તે સન્માનપૂર્વક ત્રિરંગો લહેરાવીને સલામી આપવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત સૌ ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ ગૌરવભેર રાષ્ટ્રગીતનું ગાન કરી ભારત માતા પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો હતો.
ધ્વજારોહણ સમારોહ બાદ શાળાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિ આધારિત વિવિધ ગીતો, વક્તવ્ય અને મનોરંજક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું.
કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિ શ્રી મહાવીરસિંહ જાડેજાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં દેશના અમર સ્વાતંત્ર્ય સેનાનીઓના અપ્રતિમ બલિદાનને યાદ કર્યા હતા અને ઉપસ્થિત વિદ્યાર્થીઓને દેશના જવાબદાર નાગરિક બની રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.
આ ઉજવણી પ્રસંગે ગામના આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો, શાળાના આચાર્યશ્રી, સમગ્ર શિક્ષકગણ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ હર્ષોલ્લાસ સાથે રાષ્ટ્રીય પર્વની પૂર્ણાહુતિ કરી હતી.











