TANKARA:ટંકારામાં કોંગ્રેસની રજૂઆત રંગ લાવી: 6 મહિનાથી ખોરવાયેલી વીજ સમસ્યાનો આવ્યો અંત, રવિવારે જ નવું ટ્રાન્સફોર્મર મુકાયું




TANKARA:ટંકારામાં કોંગ્રેસની રજૂઆત રંગ લાવી: 6 મહિનાથી ખોરવાયેલી વીજ સમસ્યાનો આવ્યો અંત, રવિવારે જ નવું ટ્રાન્સફોર્મર મુકાયું

ટંકારા નગરપાલિકા વિસ્તારના નગર નાકા અને પોલીસ ચોકી પાસે છેલ્લા છ મહિનાથી સર્જાતી વીજ સમસ્યાનો આખરે સુખદ અંત આવ્યો છે. સ્થાનિક કોંગ્રેસના નેતાઓ અને નગરપાલિકા સભ્યોની સતત મહેનત અને રજૂઆતોને પગલે રવિવારની જાહેર રજાના દિવસે પણ GEB દ્વારા નવું ટી.સી. (ટ્રાન્સફોર્મર) બદલવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

નગર નાકા અને પોલીસ ચોકી વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ટ્રાન્સફોર્મર ખોટકાયેલું હોવાથી વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હતો. અવારનવાર પાવર ગુલ થઈ જવાના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીઓ અને અસહ્ય હેરાનગતિનો સામનો કરી રહ્યા હતા.
આ ગંભીર પ્રશ્નના કાયમી નિરાકરણ માટે ટંકારા તાલુકા કોંગ્રેસના મહામંત્રી શ્રી દુષ્યંત ભૂત, વોર્ડ નં. 6ના નગરપાલિકા સભ્ય શ્રી જીતેન્દ્ર ગોસ્વામી, શ્રી સલીમ ભાણું તથા વોર્ડ નં. 4ના નગરપાલિકા સભ્ય શ્રી ગફાર ભૂંગર દ્વારા જી.ઈ.બી. કચેરી ખાતે સતત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી હતી. નેતાઓના સતત ફોલોઅપ અને પ્રયાસોના પરિણામે તંત્ર એક્શનમાં આવ્યું હતું.
જનહિતને પ્રાથમિકતા આપીને GEB (પીજીવીસીએલ)ના અધિકારીઓ અને કર્મચારીઓએ રવિવારની રજા હોવા છતાં સ્થળ પર પહોંચીને નવું ટી.સી. ઇન્સ્ટોલ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી હતી. નવું ટ્રાન્સફોર્મર મુકાઈ જતાં સ્થાનિકોને લાંબા સમયની વીજ સમસ્યામાંથી મોટી રાહત મળી છે, જેથી રહીશોમાં ખુશીનો માહોલ છે.

ટંકારા કોંગ્રેસના હોદ્દેદારોએ રજાના દિવસે પણ કામગીરી કરનાર GEBના તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે, ટંકારા તાલુકા નગરપાલિકા કોંગ્રેસ જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા પ્રતિબદ્ધ છે અને આગામી સમયમાં પણ લોકહિતના કાર્યો માટે સતત સક્રિય રહેશે.



