MORBI :મોરબીના ગ્રાહકના ફ્રિજ કેસમાં ગ્રાહક અદાલતનો મોટો ફેંસલો: ઓનલાઈન કંપનીને વ્યાજ અને ખર્ચ સાથે રકમ ચુકવવાનો આદેશ

MORBI :મોરબીના ગ્રાહકના ફ્રિજ કેસમાં ગ્રાહક અદાલતનો મોટો ફેંસલો: ઓનલાઈન કંપનીને વ્યાજ અને ખર્ચ સાથે રકમ ચુકવવાનો આદેશ
ઓનલાઈન શોપિંગ કરતી વખતે ગ્રાહકો માટે જાગૃત રહેવું કેટલું જરૂરી છે તેનો એક કિસ્સો મોરબીમાંથી સામે આવ્યો છે. મોરબીના વતની રક્ષિતભાઈ વાલજીભાઈ કાવરે ઓનલાઈન વિક્રેતા ‘કલાઉડરેલ ઈન્ડીયા પ્રા.લી.’ (એમેઝોન પ્લેટફોર્મ મારફતે) પાસેથી રૂ. ૪૫,૯૯૯/- ની કિંમતનું ફ્રિજ ખરીદ્યું હતું. જોકે, આ ફ્રિજ બરાબર ઠંડક આપતું ન હોવાથી ગ્રાહકે કંપનીમાં વારંવાર ફરિયાદો કરી હતી, પરંતુ કંપની તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો નહોતો.
ગ્રાહકે ફ્રિજ બદલી આપવાની માગણી કરતા કંપનીએ “આ મોડલ ઉપલબ્ધ નથી” તેવો બહાનો બનાવ્યો હતો અને પરત લેવાના બદલામાં માત્ર રૂ. ૫,૮૪૭/- જ પરત આપવાનો ઉડાવ જવાબ આપ્યો હતો.આ અન્યાય સામે રક્ષિતભાઈએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કર્યો હતો. ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આ મામલે ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.અદાલતે કેસની સુનાવણી બાદ ગ્રાહકના પક્ષમાં મહત્ત્વનો ચુકાદો આપતા આદેશ કર્યો છે કે:
કંપનીએ રક્ષિતભાઈને નવું ફ્રિજ બદલી આપવું.જો નવું ફ્રિજ ઉપલબ્ધ ન હોય તો ફ્રિજની મૂળ કિંમત રૂ. ૪૫,૯૯૯/- અને ગેરંટી પીરિયડ દરમિયાન થયેલ ખર્ચના રૂ. ૫,૦૨૨/- મળીને કુલ રૂ. ૫૧,૦૨૧/- કેસ દાખલ કર્યાની તારીખથી ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવા.
આ ઉપરાંત માનસિક ત્રાસ અને કાનૂની ખર્ચ પેટે રૂ. ૧૦,૦૦૦/- નો દંડ પણ મંજૂર કરવામાં આવ્યો છે.
આ કિસ્સા પરથી ગ્રાહક સુરક્ષા મંડળે અપીલ કરી છે કે ઓનલાઈન વસ્તુ ખરીદતી વખતે ગ્રાહકોએ પૂરતી ચકાસણી કરવી અને વિચારવું જરૂરી છે. જો કોઈ પણ ગ્રાહક સાથે અન્યાય કે છેતરપિંડી થાય તો ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક સાધવો.
ગ્રાહક માર્ગદર્શન અને સહાય માટે સંપર્ક સૂત્ર:૧) લાલજીભાઈ મહેતા – ૯૮૨૫૭ ૯૦૪૧૨ (૨) હિતેશભાઈ મહેતા – ૯૯૭૮૯ ૮૩૯૮૬ (૩) રામભાઈ મહેતા – ૯૯૦૪૭ ૯૮૦૪૮ (૪) બળવંતભાઈ ભટ્ટ – ૯૩૨૭૪ ૯૯૧૮૫









