MORBI:મોરબીમાં જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓ મહાનગરપાલિકાને સોંપવા માંગ: ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે બાલમંદિરો શરૂ કરવા રજૂઆત




MORBI:મોરબીમાં જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓ મહાનગરપાલિકાને સોંપવા માંગ: ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે બાલમંદિરો શરૂ કરવા રજૂઆત

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબી મહાનગરપાલિકાના ચીફ ઓફિસર (મેયર સાહેબ)ને એક લેખિત પત્ર પાઠવીને મોરબી શહેર વિસ્તારમાં આવતી જિલ્લા પંચાયત સંચાલિત તમામ પ્રાથમિક શાળાઓ મહાનગરપાલિકા હસ્તક લેવા માટે મહત્વની માંગણી કરવામાં આવી છે.

ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ/મંત્રી દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતની અન્ય તમામ મહાનગરપાલિકાઓએ જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાઓ પોતાના હસ્તક લઈ લીધી છે, જ્યારે મોરબીમાં આ પ્રક્રિયા હજુ બાકી છે.
પત્રમાં ચિંતા વ્યક્ત કરતાં જણાવવામાં આવ્યું છે કે, હાલ મોરબીમાં સરકારી કે ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા બાલમંદિરો ચલાવવામાં આવતા નથી, જેના કારણે વર્ષોથી સરકારી બાલમંદિરો બંધ થઈ ગયા છે. બીજી તરફ, શહેરમાંથી શૈક્ષણિક ટેક્સ ઉઘરાવવામાં આવતો હોવા છતાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ખાનગી બાલમંદિરોમાં બાળકોને ભણાવવા માટે મજબૂર થવું પડે છે. ખાનગી બાલમંદિરોની ફી એટલી બધી ઉંચી હોય છે કે જો એક જ પરિવારમાં ત્રણ બાળકો ભણતા હોય, તો સામાન્ય પરિવારોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે.ગ્રાહક સુરક્ષા મંડળે સૂચન કર્યું છે કે જો મોરબી મહાનગરપાલિકા આ તમામ શાળાઓ પોતાના હસ્તક લઈ લે, તો ત્યાં મહાનગરપાલિકા સંચાલિત બાલમંદિરોની વ્યવસ્થા સરળતાથી થઈ શકે તેમ છે. આ માટે મહાનગરપાલિકાએ કોઈ નવા મકાનો બનાવવાની પણ જરૂર નથી. જે-તે વિસ્તારમાં હાલ જે બાલમંદિરો ખંઢેર હાલતમાં છે, તેને રિપેરિંગ કરીને ફરીથી ધમધમતા કરી શકાય તેમ છે.હાલના સમયમાં મધ્યમ, મજૂર અને ગરીબ વર્ગના પરિવારોમાં શિક્ષણની ભારે ભૂખ છે, ત્યારે તેમના બાળકોને યોગ્ય અને પરવડે તેવું શિક્ષણ મળી રહે તે માટે મહાનગરપાલિકા તાત્કાલિક આ અંગે યોગ્ય નિર્ણય લે તે જરૂરી છે.આ પત્રની નકલ મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ યોગ્ય કાર્યવાહી અર્થે રવાના કરવામાં આવી છે.


