MORBI:મોરબી સબ જેલની જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મુલાકાત લઈ કેદીઓ માટેની સુવિધાઓ અને જેલ વ્યવસ્થાની સઘન સમીક્ષા કરી

MORBI:મોરબી સબ જેલની જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મુલાકાત લઈ કેદીઓ માટેની સુવિધાઓ અને જેલ વ્યવસ્થાની સઘન સમીક્ષા કરી
કલેક્ટરશ્રીએ કેદીઓ સાથે સંવાદ કરી આરોગ્યની પૃચ્છા કરી; જેલના ભોજનની ગુણવત્તા પોતે ચાખીને ચકાસી
મહિલા બેરેક, શૌચાલય, મુલાકાતી રજીસ્ટર અને સમગ્ર પરિસરની સ્વચ્છતા-સલામતીનું બારીકાઈથી નિરીક્ષણ કરી સુધારાત્મક પગલાં ભરવા અપાયા જરૂરી સૂચનો
મોરબી જિલ્લામાં જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બને અને જેલ નિયમોનું ચુસ્ત પાલન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી સબ જેલની મુલાકાત લઈ વ્યાપક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ જેલના વિવિધ સત્તાવાર રજિસ્ટર્સ અને કેદીઓના મુલાકાતીઓ અંગે રાખવામાં આવતા રેકોર્ડની ઝીણવટભરી ચકાસણી કરી હતી.
કલેક્ટરશ્રીએ જેલની જુદી-જુદી બેરેકમાં રૂબરૂ જઈને કેદીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમના સ્વાસ્થ્ય તેમજ જેલ પ્રશાસન તરફથી મળતી સુવિધાઓ અંગે પૃચ્છા કરી હતી. જેલમાં કેદીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તાના માપદંડ ચકાસવા માટે કલેક્ટરશ્રીએ પોતે જેલમાં ભોજનનો સ્વાદ ચાખીને રાંધેલા ખોરાકની ગુણવત્તાની પ્રત્યક્ષ ખાતરી કરી હતી. તેમણે માનવીય અભિગમ સાથે કેદીઓ માટેના ટોઇલેટ તેમજ બાથરૂમ વિસ્તારની મુલાકાત લઈ ત્યાંની ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
મહિલા કેદીઓની બેરેકમાં જઈને તેમણે મહિલાઓની સુરક્ષા, સલામતીના સંવેદનશીલ મુદ્દાઓ અને પરિસરમાં જળવાતી સ્વચ્છતાની પરિસ્થિતિની વિશેષ ચકાસણી કરી હતી. સમગ્ર જેલ કેમ્પસનું ખૂણે-ખૂણેથી બારીકાઈથી નિરીક્ષણ કર્યા બાદ કલેક્ટરશ્રીએ જેલની આંતરિક સુરક્ષા વ્યવસ્થા અને માનવીય દૃષ્ટિકોણથી જરૂરી એવા જેલ સુધારાત્મક પગલાંઓ અમલમાં મૂકવા માટે જેલર સહિતના હાજર અધિકારીઓને સ્થળ પર જ રચનાત્મક સૂચનો આપ્યા હતા.








