MORBI:મોરબીની ડો.બી.આર. આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ







MORBI:મોરબીની ડો.બી.આર. આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ


ધોરણ ૧૧ અને ૧૨ના ફ્રેશ-રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે ૧૦ જૂન અને સ્નાતક-અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ૩૦ જૂન સુધી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રહેવા, જમવા સહિતની તમામ સુવિધાઓ વિનામૂલ્યે અપાશે; ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર કરવાનું રહેશે રજિસ્ટ્રેશન
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતુ, ગાંધીનગર સંચાલિત મોરબીના શોભેશ્વર રોડ પર આવેલી ડો.બી.આર. આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં વર્ષ ૨૦૨૬-૨૭ ના નૂતન શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અનુસૂચિત જાતિના પ્રતિભાવંત વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પૂરતી તકો મળી રહે તેવા ઉમદા હેતુથી ધોરણ ૧૧-૧૨ (તમામ પ્રવાહ) તેમજ મેડિકલ, એન્જિનિયરીંગ, ફાર્મસી ડિગ્રી-ડિપ્લોમા, આર્ટસ અને કોમર્સના સ્નાતક તથા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
પ્રવેશ મેળવવા ઈચ્છતા ફ્રેશ અને રિન્યુઅલ વિદ્યાર્થીઓએ સરકારી પોર્ટલ https://esamajkalyan.gujarat.gov.in પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓ તા. ૧૦/૦૬/૨૦૨૬ સુધી અરજી કરી શકશે. કોલેજ કક્ષાના (સ્નાતક/અનુસ્નાતક/ટેકનિકલ) વિદ્યાર્થીઓ તા. ૩૦/૦૬/૨૦૨૬ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. પ્રવેશ મેળવવા ઈચ્છતા ફ્રેશ અને રિન્યુઅલ વિદ્યાર્થીઓએ અગાઉની વાર્ષિક પરીક્ષામાં લઘુતમ ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા અનિવાર્ય છે.
છાત્રાલયમાં પ્રવેશ માટે વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમામ જરૂરી શૈક્ષણિક અને જાતિના પ્રમાણપત્રો ડિજિટલ માધ્યમથી ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન અરજીના આધારે વહીવટી તંત્ર દ્વારા પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ કરીને નિયમાનુસાર પ્રવેશ ફાળવવામાં આવશે.
આ સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને રહેવા, જમવા તેમજ લાઈટ-પાણી સહિતની તમામ ઉત્કૃષ્ટ સગવડો તદ્દન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. છાત્રાલયમાં પ્રવેશ અંગેના વિસ્તૃત નિયમો ‘ઈ-સમાજ કલ્યાણ’ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. માત્ર ઓનલાઈન અરજી કરવાથી પ્રવેશનો હક્ક દાવો કરી શકાશે નહીં. આ અંગે વધુ વિગત કે જરૂરી વહીવટી માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના ફોન નંબર ૦૨૮૨૨-૨૪૨૨૨૪ પર સંપર્ક કરવા મોરબીના નાયબ નિયામકશ્રી એ.એમ. છાસિયાની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.



