MORBI:મોરબીમાં ખેડૂત સત્યાગ્રહ: ૨ ગણું નહીં, ૪ ગણું વળતર આપો; રઘુવીરસિંહ ચૌધરી અને રાકેશ ટીકૈતની સરકારને આકરી ચેતવણી

MORBI:મોરબીમાં ખેડૂત સત્યાગ્રહ: ૨ ગણું નહીં, ૪ ગણું વળતર આપો; રઘુવીરસિંહ ચૌધરી અને રાકેશ ટીકૈતની સરકારને આકરી ચેતવણી
મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત સત્યાગ્રહ અને ત્યારબાદ રવાપર ખાતે યોજાયેલી વિશાળ ખેડૂત મહાસભામાં ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ ચૌધરી અને રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકૈત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય સાથે વિધિવત શરૂ થયેલી આ મહાસભામાં મોરબી, જેતપર અને પડધરી સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ નયન પટેલ અને આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.
સરકાર દલાલી બંધ કરે, ખેડૂતો સાથે સીધો સોદો થાય: રઘુવીરસિંહ ચૌધરી પ્રેસ કોન્ફરન્સ અને સભાને સંબોધતા BKU ના અધ્યક્ષ રઘુવીરસિંહ ચૌધરીએ જમીન સંપાદન અંગે સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા:
૪ ગણું વળતર કાયદાકીય હક: જમીન સંપાદન કાયદા ૨૦૧૩ હેઠળ ૧૦૦% સોલેશિયમ અને ૪ ગણું વળતર આપવાની જોગવાઈ છે. ૨ ગણું વળતર આપીને સરકાર ખેડૂતો પર કોઈ અહેસાન નથી કરી રહી.
સર્કલ રેટ અટકાવ્યા: વર્ષ ૨૦૧૩ પછી સરકારે જાણીજોઈને સર્કલ રેટ રિવાઇઝ કર્યા નથી, જેથી ખેડૂતોની કિંમતી જમીન સસ્તા ભાવે પચાવી પાડી શકાય.
ખાનગી કંપનીઓ માટે સંપાદન: આ જમીન સંપાદન કોઈ જાહેર કે સરકારી હિત માટે નહીં, પરંતુ ખાનગી વેપારીઓ અને કંપનીઓ માટે થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સરકારે વચેટિયા કે દલાલ બનવાનું છોડી દેવું જોઈએ.
સીધો સંપર્ક: ખાનગી ઉદ્યોગો માટે સરકારી કાયદા બળજબરીથી લાગુ ન કરી શકાય. કંપની અને જમીનમાલિક ખેડૂતોએ સામસામે બેસીને બજાર ભાવ મુજબ જ સોદો કરવો જોઈએ.
ખેડૂતો પર અત્યાચાર થશે તો દેશવ્યાપી આંદોલન અને દિલ્હી કૂચ: રાકેશ ટીકૈત
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકૈતે ગુજરાત સરકારને આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે: ગુજરાતમાં હંમેશા આંદોલનો દબાવવાનો પ્રયાસ થયો છે, પરંતુ હવે અહીંનો ખેડૂત અન્યાય સામે અવાજ ઉઠાવવા જાગૃત થઈ ચૂક્યો છે. જો ગુજરાત સરકાર ખેડૂતો પર લાઠીચાર્જ કે કોઈ પણ પ્રકારનો અત્યાચાર કરશે, તો BKU દેશના અન્ય રાજ્યોમાં પોલીસ સ્ટેશનો અને જિલ્લા મથકોનો ઘેરાવ કરશે તથા જરૂર પડ્યે ફરી દિલ્હી તરફ કૂચ કરશે.સરકારે જાહેર કરેલા ૨ ગણા વળતરના પરિપત્રને ખેડૂતોએ સંપૂર્ણપણે ફગાવી દીધો છે. જ્યાં સુધી બજાર ભાવ મુજબ ૪ ગણું વળતર અને તમામ માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન અવિરતપણે ચાલુ રહેશે.










