MORBI: મોરબીના રફાળેશ્વર નજીક: મેજિક સિરામિકના ગોડાઉનમાં ભીષણ આગ, ભારે અફરાતફરી




MORBI:મોરબીના રફાળેશ્વર નજીક: મેજિક સિરામિકના ગોડાઉનમાં ભીષણ આગ, ભારે અફરાતફરી

મોરબીના રફાળેશ્વર વિસ્તારમાં આજે એક પછી એક આગની બે મોટી ઘટનાઓ સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. રફાળેશ્વર GIDCમાં આવેલ મેજિક સિરામિક કારખાનામાં લાગેલી વિકરાળ આગ બાદ, હવે રફાળેશ્વર રોડ નજીક આવેલ એક મગફળીના ગોડાઉનમાં પણ ભીષણ આગ ફાટી નીકળતાં તંત્ર દોડતું થયું છે. બે અલગ-અલગ સ્થળોએ આગની ઘટનાઓને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

૧. મેજિક સિરામિકમાં ‘મેજર કોલ’: ૩ શહેરોની ૭ ટીમો તૈનાત ફાળેશ્વર GIDCમાં આવેલ ‘મેજિક સિરામિક’ કારખાનામાં લાગેલી આગ એટલી પ્રચંડ છે કે ફાયર વિભાગે તેને ‘મેજર કોલ’ જાહેર કર્યો છે. આગને કાબૂમાં લેવા માટે મોરબી ઉપરાંત આજુબાજુના શહેરોમાંથી પણ મદદ બોલાવવી પડી છે:
મોરબી: 4 ફાયર ફાઈટરની ટીમો સતત પાણીનો મારો ચલાવી રહી છે. આગની ગંભીરતા જોતા રાજકોટથી 2 ફાયરની ટીમો મદદ માટે દોડી આવી છે.વાંકાનેર ફાયર વિભાગની 1 ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરીમાં જોડાઈ છે. રફાળેશ્વર રોડ પર મગફળીનું ગોડાઉન પણ આગની લપેટમાં

સિરામિક ફેક્ટરીની આપત્તિ વચ્ચે જ રફાળેશ્વર રોડ નજીક આવેલા મગફળીના એક મોટા ગોડાઉનમાં અચાનક ભયંકર આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનમાં સૂકી મગફળીનો મોટો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અન્ય એક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા માટે મોરચો સંભાળી લીધો છે. હાલમાં બંને સ્થળો પર આગ ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ફેક્ટરી અને ગોડાઉન બંને જગ્યાએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થવાની ભીતિ છે.




