MORBI:મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા: રસ્તા, જમીન મહેસૂલ અને સમિતિઓની નિમણૂક સહિતના અગત્યના પ્રસ્તાવ મંજૂર

MORBI:મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા: રસ્તા, જમીન મહેસૂલ અને સમિતિઓની નિમણૂક સહિતના અગત્યના પ્રસ્તાવ મંજૂર
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રસ્તાના પ્રશ્નો, જમીન મહેસૂલ, વિવિધ સમિતિઓના હોદ્દેદારોની નિમણૂક અને વિકાસના કામો જેવા અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા બાદ તમામ એજન્ડાને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. સભામાં સભ્યો દ્વારા ખાસ કરીને રસ્તાઓની બિસ્માર હાલત અંગે તીવ્ર રજૂઆતો કરવામાં આવી હતી.
શિક્ષણ સમિતિના સભ્ય પદેથી પ્રમુખે રાજીનામું આપતા તેમના સ્થાને ભગવતીબેન ગિરીશભાઈ લકુમની નિમણૂક કરાઈ છે. જ્યારે સામાજિક ન્યાય સમિતિના કો-ઓપ્ટ સભ્ય કાળાભાઈ ગોકુળભાઈ મકવાણાના રાજીનામા બાદ સોનલબેન રાજેશભાઈ બારિયાની નિમણૂક કરવામાં આવી છે.સ્થાનિક સમસ્યાઓ અને રોડ-રસ્તાની રજૂઆતો તીથવા (મહેબુબભાઈ કડીવાર): તીથવા, જડેશ્વર, અરણી ટીંબાથી નવી કલાવડી જેવા 4 વર્ષથી જર્જરિત માર્ગોનું રિસરફેસિંગ કરવા અને છેલ્લા 2 વર્ષથી અધૂરા રહેલા રસ્તાના કામો પૂર્ણ કરવા માંગ કરાઈ હતી. રાતી દેવળી ગામે ગંદા પાણીના નિકાલ માટે 500 મીટર લાંબી પાઈપલાઈન નાખવા, સ્વચ્છ ભારત મિશનની ગ્રાન્ટ છતાં નિયમિત સફાઈ ન થવા તેમજ ઝૂંપડપટ્ટીવાસીઓને વીજ કનેક્શન ન મળવાના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા.
લુણાસર (પાંચાભાઈ ધરજીયા): વાંકાનેરના ગાંગ્યાવદર ગામે મહા નદી પરના ધોવાઈ ગયેલા રસ્તાનું ત્વરિત રીપેરિંગ કરવા અને વાંકાનેર નેશનલ હાઈવેથી કેરાળા જતા નીચાણવાળા રોડ પર 2 કિલોમીટર સુધી ભરાણ કરી રોડ ઊંચો લેવા દરખાસ્ત મુકાઈ હતી.
પંચાસીયા (કુલસુમબેન બાદી): જિલ્લા પંચાયત હસ્તકના 3.75 મીટરના સાંકડા માર્ગોને પહોળા કરવા અને રાતીદેવળીથી લીલાપર સુધીના 25 કિલોમીટરના વ્યસ્ત શોર્ટ રૂટને સ્ટેટ હાઈવેમાં સોંપવા પ્રસ્તાવ રજૂ કરાયો હતો.વિકાસ કામો અને ગ્રાન્ટ નિર્ણય સ્વભંડોળના વર્ષ 2025-26ના રૂ. 15 લાખના 6 કામોની મુદત વધારાઈ છે અને 2026-27ના આયોજન માટે સૂચનો મંગાવાયા છે. રેતી રોયલ્ટીના વર્ષ 2020-21થી અત્યાર સુધીના કુલ 345 કામોમાંથી શરૂ ન થયેલા કામો 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરવા આદેશ અપાયો છે, જ્યારે વર્ષ 2020-21 અને 2021-22ના શરૂ ન થયેલા 8 જૂના કામો રદ કરવાનો નિર્ણય કરાયો છે.
રસ્તાઓની સોંપણી અને રીપેરિંગ અંગે ખુલાસો માળિયા નગરપાલિકાના 7 અને વાંકાનેર નગરપાલિકાના 3 રસ્તાઓ સંબંધિત પાલિકાને સોંપવાનો ઠરાવ થયો હતો. રસ્તાઓની ખરાબ હાલત અંગે અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે એપ્રિલ માસથી યુદ્ધના કારણે ડામરના કામો બંધ હતા અને હાલ ચોમાસાને લીધે કામ થઈ શકે તેમ નથી. ચોમાસું પૂરું થતાં જ તમામ રીપેરિંગ કામગીરી સત્વરે શરૂ કરાશે.મહેસૂલી અને વહીવટી નિર્ણયો એકસમાન જમીન મહેસૂલ દર: મોરબી જિલ્લામાં ભળેલા અલગ-અલગ વિસ્તારોના દરોમાં સમાનતા લાવવા આગામી 5 વર્ષ (01/08/2026 થી) માટે બીનખેતીની જમીન પર કરનો દર રૂ. 3 (300 પૈસા) નક્કી કરી સરકારમાં દરખાસ્ત મોકલવાનો ઠરાવ કરાયો છે.જમીનની ઉપલબ્ધતા: આંગણવાડી કે શાળા માટે સરકારી જમીન ન હોય ત્યાં ગ્રામજનોની સંમતિથી સાર્વજનિક જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી અપાઈ છે.વહીવટી નિર્ણયો: પ્રમુખના બંગલા માટે ગ્રાન્ટ ન મળતા જૂના બંગલાની જાળવણી કરવાનો, જેટિંગ મશીનના સંચાલન માટે SOP જાહેર કરવાનો, DDO માટે નવી કાર ન મળે ત્યાં સુધી ભાડાની કાર રાખવાનો અને જિલ્લા પંચાયત લાઈબ્રેરીની સંભાળ માટે વર્ગ-4ના પટાવાળાની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો હતો.













