HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના સાપકડા ગામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોનું ભવ્ય સન્માન

 

HALVAD:હળવદના સાપકડા ગામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોનું ભવ્ય સન્માન

વીજપોલના વળતર માટેની લડત સફળ: ૧૮ ખેડૂતોને રૂ. ૩૦ લાખથી ૫૨ લાખ સુધીનું વળતર મળતાં ખુશીનો માહોલ

હળવદ તાલુકાના સાપકડા ગામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોના ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેતીની જમીનમાંથી પસાર થતા વીજપોલ (વીજ લાઈન)ના મુદ્દે યોગ્ય વળતર મેળવવા માટે ખેડૂતો અને કિસાન સમિતિ દ્વારા લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતો અને કાનૂની સંઘર્ષ આખરે સફળ રહ્યો છે. આ લડતના પરિણામે સાપકડા ગામના ૧૮ જેટલા અસરગ્રસ્ત ખેડૂતોને રૂ. ૩૦ લાખથી લઈને ૫૨ લાખ રૂપિયા સુધીનું માતબર વળતર મળતા ખેડૂત પરિવારોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

 

પોતાના હક્કની લડાઈમાં માર્ગદર્શન અને મજબૂત સાથ આપવા બદલ સાપકડા ગામના ખેડૂતો દ્વારા કિસાન આગેવાનોનો આભાર માનવા માટે આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ખેડૂત હિત રક્ષક અને કિસાન આગેવાનો પાલ આંબલીયા, જીગ્નેશ મેવાણી, લાલજીભાઈ દેસાઈ, તેમજ મહેશ રાજકોટિયા સહિતના અન્ય અગ્રણીઓનું ગ્રામજનો દ્વારા ભાવભેર અને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોની એકતા અને મક્કમતાના કારણે જ આટલું મોટું અને યોગ્ય વળતર મેળવવામાં સફળતા મળી છે. આગેવાનોએ ખેડૂતોને હંમેશા સંગઠિત રહેવા, પોતાના કાનૂની હકો પ્રત્યે જાગૃત બનવા અને ભવિષ્યમાં પણ ખેતી કે ખેડૂતોને લગતા કોઈપણ અન્યાય સામે એકજૂટ થઈને લડત ચાલુ રાખવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ સન્માન સમારોહમાં સાપકડા ગામ સહિત આજુબાજુના વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!