GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘોર બેદરકારી: સિલિકોસિસના દર્દીઓ કલાકો સુધી રઝળ્યા, માનવ અધિકાર આયોગમાં જવાની ચીમકી

 

MORBI:મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘોર બેદરકારી: સિલિકોસિસના દર્દીઓ કલાકો સુધી રઝળ્યા, માનવ અધિકાર આયોગમાં જવાની ચીમકી

 

 

સરકારી હોસ્પિટલોમાં ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ મોરબી સિવિલ હોસ્પિટલની વાસ્તવિકતા કંઈક જુદી જ કહાણી કહી રહી છે. હોસ્પિટલના ઓપીડી (OPD) વિભાગમાં ડોક્ટરોની સતત ગેરહાજરી અને તંત્રની ઘોર બેદરકારી સામે આવતા સામાજિક કાર્યકરો અને દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બનેલી એક ગંભીર ઘટનાને પગલે હવે આ મામલે સીધી ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરી આગામી ૧૫ દિવસમાં પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગત તા. ૧૫/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે સિલિકોસિસ જેવી ગંભીર બીમારીથી પીડાતા ૪ દર્દીઓ સારવાર અને તબીબી પ્રમાણપત્ર મેળવવાના હેતુથી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. આ દર્દીઓ જ્યારે ઓપીડી નંબર ૨૦ માં ગયા ત્યારે ત્યાં કેસ પેપર પર જે ડોક્ટરનું નામ હતું તેઓ ગેરહાજર હતા. ત્યાં હાજર ઇન્ટર્ન ડોક્ટરે દર્દીઓને ઓપીડી નંબર ૯ માં ધકેલી દીધા હતા. આશ્ચર્યની વાત એ છે કે, દર્દીઓ જ્યારે ઓપીડી નંબર ૯ માં પહોંચ્યા ત્યારે સવારના ૧૧:૦૦ વાગ્યા સુધી ત્યાં પણ કોઈ ડોક્ટર ફરજ પર હાજર ન હતા. કલાકો સુધી ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ અને અન્ય ગરીબ પરિવારો ડોક્ટરોની રાહ જોઈને આંખમાં આંસુ સાથે બેસી રહ્યા હોવાના લાઈવ પુરાવા અને ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા છે.

નોંધનીય છે કે, મોરબી સિટીના નવા મેયરશ્રી દ્વારા ગત તા. ૩૦/૦૫/૨૦૨૬ ના રોજ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તા. ૦૪/૦૬/૨૦૨૬ ના રોજ સિવિલ હોસ્પિટલનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના આટલા ચેકિંગ અને આદેશો છતાં હોસ્પિટલના જવાબદાર ડોક્ટરોના પેટનું પાણી પણ હલતું નથી અને વ્યવસ્થામાં કોઈ સુધારો થયો નથી.

“સરકારી હોસ્પિટલમાં મોટો પગાર મેળવતા ડોક્ટરો ફરજના સમયે ખાનગી ક્લિનિક ચલાવતા હોવાની બાબત જગજાહેર છે. આ એક ચોક્કસ સાંઠગાંઠ તરફ ઈશારો કરે છે, જેથી ગરીબ દર્દીઓ કંટાળીને પ્રાઈવેટ હોસ્પિટલોમાં જવા મજબૂર બને.”

આરોગ્ય ક્ષેત્રે કાર્યરત અગ્રણીઓ દ્વારા આ ગંભીર બેદરકારી સામે વહીવટી તંત્ર સમક્ષ નીચે મુજબની કડક માંગણીઓ રજૂ કરવામાં આવી છે:૧. CCTV ફૂટેજની તપાસ: છેલ્લા ૧ મહિનાના તમામ ઓપીડી (OPD) ના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે જેથી કયા ડોક્ટરો ફરજ પરથી ગેરહાજર રહે છે તેની સત્તાવાર વિગતો બહાર આવે.માહિતી દર્શાવતું બોર્ડ: દરેક ઓપીડીની બહાર જે-તે તારીખે ફરજ પર હાજર ડોક્ટરનું પૂરું નામ અને સમય સ્પષ્ટ રીતે દર્શાવતું બોર્ડ લગાવવામાં આવે. તમામ ડોક્ટરો માટે ફરજ દરમિયાન પોતાના નામનું બેજ પહેરવું કડક રીતે લાગુ કરાય, જેથી મુખ્ય ડોક્ટર પોતાની ગેરહાજરીમાં ઇન્ટર્ન ડોક્ટરોને બેસાડી દર્દીઓને ગેરમાર્ગે દોરી ન શકે. દર્દીઓના જીવ સાથે રમત રમતા અને ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા ડોક્ટરો સામે તાત્કાલિક કાયદાકીય અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે.માનનીય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા પણ આરોગ્યના અધિકારને મૂળભૂત અધિકાર ગણાવ્યો છે, તેમ છતાં મોરબી સિવિલમાં તેનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. જો આગામી ૧૫ દિવસમાં આ બાબતે તંત્ર દ્વારા કોઈ નક્કર અને કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આ સમગ્ર મામલાને ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ (GSHRC) સમક્ષ લઈ જઈ કાનૂની લડત લડવાની ચીમકી પત્રના અંતે આપવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે મોરબી સિવિલ હોસ્પિટલનું પ્રશાસન જાગે છે કે પછી ગરીબ દર્દીઓ આમ જ ભગવાન ભરોસે રઝળતા રહેશે?

 

Back to top button
error: Content is protected !!