GUJARAT:વિકાસના દાવાઓ વચ્ચે અન્નદાતા લાચાર: ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં ૨૦ લીટર ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતારો







GUJARAT:વિકાસના દાવાઓ વચ્ચે અન્નદાતા લાચાર: ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં ૨૦ લીટર ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતારો



ગુજરાતમાંથી હાલમાં બે એવી તસવીરો સામે આવી રહી છે જે રાજ્યના વિકાસના દાવાઓ પાછળની કડવી સચ્ચાઈને ઉજાગર કરે છે. એકતરફ મોટા ઉદ્યોગો અને વીજ કંપનીઓ માટે ખેડૂતોના લીલાછમ ખેતરોમાં વિજ લાઇન નાખવા માટે સરકારી તંત્ર અને ગાડીઓનો મોટો કાફલો ખડકી દેવામાં આવે છે. જ્યારે બીજી તરફ, આ કાળઝાળ ગરમીમાં પોતાનો પાક બચાવવા માટે માત્ર ૨૦ લીટર ડીઝલ મેળવવા ‘જગતના તાત’ને કલાકો સુધી પેટ્રોલ પંપો પર લાઈનમાં ઉભા રહેવા મજબૂર થવું પડી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરોએ શાસકોની નીતિઓ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરો પાછળની વાસ્તવિકતા છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાંથી ખેડૂતોની લાચારી દર્શાવતી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
તસવીર ૧ – ખેડૂતોના વિરોધ છતાં તેમના ખેતરોમાંથી બળજબરીપૂર્વક હાઈટેન્શન વીજ લાઈનો પસાર કરવા માટે પોલીસ પ્રોટેક્શન અને સરકારી ગાડીઓનો કાફલો સેનાની જેમ ઉતારી દેવામાં આવે છે.

તસવીર ૨- ૪૫ ડિગ્રી જેટલી આકરી ગરમીમાં પોતાના ટ્રેક્ટર કે કેન (કેરબા) લઈને માત્ર ૨૦ લીટર ડીઝલ મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી પંપ પર કતાર લગાવીને બેઠા છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, હાલમાં ખેતીની સીઝન ચાલી રહી છે અને કૂવામાંથી પાણી ખેંચવા કે ટ્રેક્ટર ચલાવવા ડીઝલની સખત જરૂર છે. તેવામાં પેટ્રોલ પંપો પર ‘ડીઝલ નથી’ અથવા ‘મર્યાદિત સ્ટોક છે’ તેવા બોર્ડ મારી દેવાયા છે. વહીવટી તંત્ર દ્વારા ખુલ્લા કેરબામાં ડીઝલ આપવા પર મુકાયેલા પ્રતિબંધોને કારણે ખેડૂતોને માત્ર ૨૦ લીટર ડીઝલ મેળવવા માટે પણ કલાકો સુધી તપવું પડે છે.
“મોટા ઉદ્યોગપતિઓને જોઈતું બધું જ મળી રહે છે, પણ જે દેશનું પેટ ભરે છે તે અન્નદાતાને પોતાના હક્કના ઈંધણ માટે પણ ભીખ માંગવી પડે છે. આ કેવો ન્યાય?”
વિકાસના મોટા-મોટા દાવાઓ કરતી સરકારની સંવેદનશીલતા શું માત્ર મોટા ઉદ્યોગો પૂરતી જ સીમિત છે? તેવો સવાલ હવે સામાન્ય જનતા પણ પૂછી રહી છે. ખેડૂતો પ્રત્યેનો આ અન્યાય ક્યાં સુધી ચાલશે? જ્યારે ઉદ્યોગો માટે કરોડોના પ્રોજેક્ટ્સ રાતોરાત મંજૂર થઈ જાય છે, ત્યારે ખેડૂતોને સામાન્ય સુવિધાઓ માટે કેમ વલખા મારવા પડે છે?



