
ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલીયાદ સ્થિત
સુપ્રસિધ્ધ હજરત સૈયદ કાશમશા સરકારની દરગાહ શરીફ પર વર્ષોની પરંપરા મુજબ અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. આ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી. અસરની નમાઝ બાદ ગામમાં આવેલા મદ્રેસા પાસેથી સંદલ શરીફનું ઝુલુસ પ્રસ્થાન થયું હતું. ઝુલુસમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા. સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠન સાથે સુપ્રસિધ્ધ આસ્તાના પર જઇ પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.
સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ કાશમશા સરકારના આસ્તાના પર મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા. કલા શરીફ સ્થિત સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. ટ્રસ્ટીઓ તેમજ સૈયદ સાદાતોના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ ચાદર અને ગીલાફ અર્પણ કરાયા હતા. સાથે સાથે અકિદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંદલ શરીફની વિધિ બાદ આયોજકો દ્વારા સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું…



