HALVAD હળવદ નજીક પોલીસ અને ગૌરક્ષકોનું મોટું ઓપરેશન: કતલખાને લઈ જવાતા ૩૫ પશુઓને ઉગારી લેવાયા





HALVAD હળવદ નજીક પોલીસ અને ગૌરક્ષકોનું મોટું ઓપરેશન: કતલખાને લઈ જવાતા ૩૫ પશુઓને ઉગારી લેવાયા

કચ્છથી અમદાવાદ તરફ પશુઓને કતલના ઇરાદે લઈ જવામાં આવતા હોવાની ચોક્કસ બાતમીના આધારે હળવદ પોલીસ અને ગૌરક્ષક ટીમો દ્વારા વહેલી સવારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ક્રૂરતાપૂર્વક ભરેલા ૩૫ જેટલા જીવતા પશુઓને બચાવી લેવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, શનિવારની વહેલી સવારે માળીયા તરફથી આવી રહેલી એક આઇસર ગાડી (નંબર GJ-27-TD-8780) શંકાસ્પદ જણાતા વોચમાં રહેલી ટીમોએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગાડીચાલકે પોલીસ અને ગૌરક્ષકોને જોઈ ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. અંતે હળવદની સરા ચોકડી નજીક ઘેરાબંધી કરીને ગાડીને આંતરી લેવામાં આવી હતી.
આ કામગીરીમાં મોરબી, હળવદ, કચ્છ, ધાંગધ્રા અને વિરમગામની ગૌરક્ષક ટીમો સહિત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દલ અને અન્ય ગૌસંવર્ધન સંગઠનોના કાર્યકરો જોડાયા હતા. તપાસ દરમિયાન ગાડીમાં અત્યંત દયનીય હાલતમાં અને ખીચોખીચ ભરેલા ૩૫ પશુઓ મળી આવ્યા હતા.હળવદ પોલીસે આ મામલે બે શખ્સોને કસ્ટડીમાં લીધા છે અને આઇસર ગાડી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બચાવાયેલા તમામ પશુઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે મહાજન પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ગૌરક્ષક ટીમો દ્વારા આ સફળ કામગીરીમાં હળવદ પોલીસનો પૂરતો સહકાર મળ્યો હોવાનું જણાવાયું હતું. હાલ પોલીસે પશુ સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.



