HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ ફેટલ અકસ્માતનો ભેદ ઉકેલાયો: બેંકના હપ્તાથી બચવા કાર પર ખોટી નંબર પ્લેટ લગાવી અકસ્માત સર્જનાર આરોપી ઝડપાયો

હળવદ ફેટલ અકસ્માતનો ભેદ ઉકેલાયો: બેંકના હપ્તાથી બચવા કાર પર ખોટી નંબર પ્લેટ લગાવી અકસ્માત સર્જનાર આરોપી ઝડપાયો

 

હળવદ માર્કેટ યાર્ડ સામે ગત એપ્રિલ મહિનામાં થયેલા જીવલેણ અકસ્માતનો ભેદ ઉકેલવામાં હળવદ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એક એવા આરોપીની ધરપકડ કરી છે, જેણે બેંક રિકવરી એજન્ટોથી બચવા માટે પોતાની કાર પર અન્ય વાહનનો નંબર લગાવીને અકસ્માત સર્જ્યો હતો.

ગત તા. 28/04/2026ના રોજ હળવદ માર્કેટ યાર્ડ સામે રોડ ક્રોસ કરી રહેલા 25 વર્ષીય યુવાન અરવિંદભાઈ ઠાકરશીભાઈ કુડેચાને એક અર્ટીગા કાર (નં. GJ 03 PJ 7105) એ જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું અને કારચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો.

મોરબી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ અને તેમની ટીમે તપાસ શરૂ કરતા એક વિચિત્ર કડી મળી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એક જ નંબરની બે અલગ-અલગ અર્ટીગા કાર રોડ પર ફરી રહી છે. ઊંડી તપાસના અંતે પોલીસે બિપીન મલાભાઈ રાઠોડ (રહે. લીલાપર, મોરબી) ની ધરપકડ કરી હતી.

આરોપીની પૂછપરછમાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીએ કબૂલાત કરી હતી કે:તેની અસલી કારનો નંબર GJ 36 AX 8508 છે.કાર પર બેંક લોનના હપ્તા બાકી હોવાથી રિકવરી એજન્ટો ગાડી ખેંચી ન જાય તે માટે તેણે GJ 03 PJ 7105 નંબરની ખોટી પ્લેટ લગાવી હતી.આ ખોટી પ્લેટ સાથેની કારથી જ તેણે અકસ્માત સર્જ્યો હતો.હળવદ પોલીસે આરોપી સામે અકસ્માતની કલમો ઉપરાંત ખોટા દસ્તાવેજ બનાવવા અને છેતરપિંડી સંબંધિત ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે પકડાયેલ આરોપી અગાઉ પણ મોરબી અને વાંકાનેરના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલો છે.

Back to top button
error: Content is protected !!