HALVAD:પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિ તરફ: હળવદના કણજારીયા રણછોડભાઈ બન્યા પ્રાકૃતિક ખેતીના પ્રેરણાસ્ત્રોત




HALVAD:પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિ તરફ: હળવદના કણજારીયા રણછોડભાઈ બન્યા પ્રાકૃતિક ખેતીના પ્રેરણાસ્ત્રોત

જામફળ, સફરજન, દાડમ, ખારેક, હળદરની પ્રાકૃતિક ખેતીમાં ઘન જીવામૃતનો ઉપયોગ

હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામના પ્રગતિશીલ ખેડૂત કણજારીયા રણછોડભાઈ બાબી છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી પરંપરાગત ખેતીમાં નવી દિશા અને નવી સંભાવનાઓ ઊભી કરી રહ્યા છે. તેમના ‘શ્રીજી ફાર્મ’ ખાતે પ્રાકૃતિક પદ્ધતિથી મિશ્ર પાકની ખેતી ઉપરાંત વિવિધ પ્રકારના ફળોની પણ સફળ ખેતી કરવામાં આવી રહી છે.
રણછોડભાઈ પોતાના ખેતરમાં જામફળ, સફરજન, દાડમ સહિતના વિવિધ ફળોની ખેતી કરે છે. તેમના ફાર્મમાં આશરે ૧૦ વીઘા વિસ્તારમાં ખારેકની ખેતી કરવામાં આવે છે, જેમાં છેલ્લા ત્રણ વર્ષથી સારા પ્રમાણમાં ઉત્પાદન મળી રહ્યું છે. ખારેક સહિતની પ્રાકૃતિક ખેતીમાં તેઓ જીવામૃત અને ઘન જીવામૃતનો ભરપૂર ઉપયોગ કરે છે.
‘શ્રીજી ફાર્મ’ની વિશેષતા માત્ર પાક ઉત્પાદન પૂરતી સીમિત નથી. રણછોડભાઈ દ્વારા ખેતરમાં ઉત્પાદિત હળદરનું પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન પણ પોતાની રીતે કરવામાં આવે છે. મૂલ્યવર્ધિત હળદરનું ઓનલાઇન વેચાણ કરી તેઓ ખેતીમાંથી વધુ આવક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ તુવેરદાળનું પણ મૂલ્યવર્ધન કરે છે.
ખેતીને વધુ સુદૃઢ બનાવવા માટે જરૂરી સાધનોની ખરીદી તથા રૂ. ૧ લાખની સહાય બાગાયતી શાખા તરફથી પ્રાપ્ત થઈ છે, જેના થકી તેમની ખેતીની કામગીરીને વધુ વેગ મળ્યો છે.
રણછોડભાઈ માટે પ્રાકૃતિક ખેતી માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ જીવનશૈલીનો પણ એક ભાગ છે. તેઓ પોતાના રોજિંદા જીવનમાં વધુમાં વધુ પ્રાકૃતિક ખોરાકનો ઉપયોગ કરે છે અને અન્ય લોકોને પણ પ્રાકૃતિક ખેતી તથા પ્રાકૃતિક ખોરાક અપનાવવા માટે સતત પ્રોત્સાહિત કરે છે.
પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે તેમના અનુભવ અને જ્ઞાનને કારણે રણછોડભાઈ માસ્ટર ટ્રેનર તરીકે પણ કાર્યરત છે. તેઓ આજુબાજુના ગામડાઓમાં જઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અને માર્ગદર્શન આપે છે. જીવામૃત, ઘન જીવામૃત, મિશ્ર પાક, મૂલ્યવર્ધન સહિતના વિવિધ વિષયો અંગે ખેડૂતોને પ્રાયોગિક માહિતી આપી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે તેઓ પ્રયત્નશીલ છે.
આ રીતે કણજારીયા રણછોડભાઈ બાબી પ્રાકૃતિક ખેતી, પાક વૈવિધ્યકરણ, મૂલ્યવર્ધન અને ખેડૂતોના માર્ગદર્શનના માધ્યમથી ખેતી સાથે આવક અને આરોગ્ય બંને’**નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી દ્વારા મળતી સહાય અને માર્ગદર્શન બદલ કણજારીયા રણછોડભાઈએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો છે.-દિશા સોલંકી


