HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના જુના દેવળીયા ગામે સ્ટંટબાજી કરતા બુલેટ ચાલકે બાળકીનો જીવ લીધો, ચાલક સામે ગુનો દાખલ

 

HALVAD:હળવદના જુના દેવળીયા ગામે સ્ટંટબાજી કરતા બુલેટ ચાલકે બાળકીનો જીવ લીધો, ચાલક સામે ગુનો દાખલ

 

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સ્કૂલેથી ચાલીને ઘરે પરત ફરી રહેલી ચાર માસૂમ વિદ્યાર્થિનીઓને એક બેફામ સ્પીડે આવી રહેલા બુલેટ ચાલકે અડફેટે લીધી હતી. આ કરુણ અકસ્માતમાં ૧૧ વર્ષની એક દીકરીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ બાળકીઓ ઈજાગ્રસ્ત થઈ છે. અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.પોલીસ ફરિયાદમાંથી મળતી વિગતો મુજબ, ગત ૨૪ જૂનના રોજ સાંજે સ્કૂલેથી છૂટીને ૧૧ વર્ષની બાળકી રોશનીબેન મનીષભાઈ મોરવાડિયા પોતાની બહેનપણીઓ જાનવી સુરેશભાઈ, અંકિતા દિનેશભાઈ અને રીના મહેશભાઈ સાથે રોડની સાઈડમાં ચાલીને ઘરે જઈ રહી હતી.

આ દરમિયાન સંધીવાસના નાકા નજીક પાછળથી જીજે-૩૬-ઈ-૮૦૦૦ નંબરના બુલેટ મોટરસાયકલ પર ત્રિપલ સવારીમાં આવી રહેલા ચાલક રામજી ગોરધનભાઈ દેવીપુજકે (સાથે લખમણ ગોરધનભાઈ અને આકાશ પ્રકાશભાઈ) પોતાના વાહનને પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને આ માસૂમ બાળકીઓને જોરદાર ટક્કર મારી હતી.આ ગંભીર અકસ્માતમાં રોશનીને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જેતપર (મચ્છુ) સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. જ્યારે અકસ્માતમાં ભોગ બનેલી અન્ય ત્રણ બાળકીઓ જાનવી, અંકિતા અને રીનાને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર આપવામાં આવી રહી છે.અકસ્માતની ઘટનાને પગલે મૃતક બાળકીના પરિવારજનો, ગ્રામજનો અને વિવિધ સમાજના આગેવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ રોડ પર ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગામલોકોનો આક્ષેપ છે કે ગામમાં દરરોજ કેટલાક આવારા તત્વો દ્વારા રોમિયોગીરી, સીન-સપાટા અને જાહેર માર્ગો પર ત્રિપલ સવારીમાં સ્ટંટબાજી કરવામાં આવે છે, જેના લીધે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે. ગ્રામજનોએ આવા તત્વો સામે તાત્કાલિક અને કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી છે.આ અંગે મૃતક બાળકીના પિતા મનીષભાઈ કેશવજીભાઈ મોરવાડિયા (ઉં.વ. ૩૬) એ હળવદ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી બુલેટ ચાલક રામજી ગોરધનભાઈ દેવીપુજક સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને મોટર વાહન અધિનિયમ (MV Act) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!