
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ ખાતે યોજાયેલા ‘સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫’ માં ડાંગ જિલ્લાના ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શન થકી સમગ્ર રાજ્યમાં ડાંગનું નામ રોશન કર્યું છે.રમતગમત ક્ષેત્રે ડાંગ જિલ્લો દિવસેને દિવસે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે, જેની પ્રતીતિ આ મહોત્સવમાં જોવા મળી હતી.આ ખેલ મહોત્સવમાં ડાંગ જિલ્લાના રમતવીરોએ ટીમ વર્ક સાથે મેદાન ગજવ્યું હતુ.ડાંગ જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ખેલાડીઓએ હોકીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.સુબીર ઓપન કેટેગરીની ક્રિકેટ ટીમે રસાકસી ભરી મેચોના અંતે દ્વિતીય ક્રમ મેળવી જીતની ટ્રોફી પોતાના નામે કરી હતી.વ્યક્તિગત શ્રેણીમાં પણ ડાંગના યુવા પ્રતિભાઓએ મેદાન માર્યું હતું.સંતોષ ગાવીતે પોતાની સ્ફૂર્તિ બતાવતા ૨૦૦ મીટર અને ૪૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમ મેળવી બેવડી સિદ્ધિ હાંસલ કરી છે.ઓપન કેટેગરીમાં મમતા સુરેશ ચૌધરીએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી બેડમિન્ટનમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.વિજેતા થયેલી તમામ ટીમો અને વ્યક્તિગત વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ડાંગના ખેલાડીઓની આ સફળતાને વધાવતા ડાંગ તાલુકા પંચાયત (આહવા) વતી તમામ વિજેતાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આવી રમતગમત પ્રવૃત્તિઓ થકી ડાંગના અનેક યુવાનો રમતગમતમાં રુચિ દાખવી રહ્યા છે અને આગામી સમયમાં ડાંગના ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે ચમકે તેવી આશા સેવાઈ રહી છે.





