HALVAD:હળવદ અગાઉની પોલીસ ફરિયાદનું સમાધાન કરવા દબાણ કરી મહિલાના ઘરમાં તોડફોડ, જાનથી મારી નાખવાની ધમકી







HALVAD:હળવદ અગાઉની પોલીસ ફરિયાદનું સમાધાન કરવા દબાણ કરી મહિલાના ઘરમાં તોડફોડ, જાનથી મારી નાખવાની ધમકી


હળવદ શહેરમાં અગાઉ થયેલી પોલીસ ફરિયાદનું સમાધાન કરવા બાબતે ત્રણ શખ્સોએ એક મહિલા અને તેના સાથીને બેફામ ગાળો ભાંડી, ઘરમાં ઘૂસીને ધારીયા જેવા હથિયાર સાથે તોડફોડ મચાવી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આરોપીઓએ ઘરવખરીના સામાન અને વાહનોને ભારે નુકસાન પહોંચાડી ‘દુનિયામાં રહેવા નહીં દઉં’ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, હળવદ ત્રણ રસ્તા પાસે જોગણી માતાજીના મંદિર નજીક રહેતા અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા ઉમાબેન સુરેશભાઈ વિરગામીયા (ઉં.વ. ૩૫) એ અગાઉ આરોપી અરજણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતનો ખાર રાખીને આરોપીઓએ આ હિંસક કૃત્ય આચર્યું હતું.
ભોગ બનનાર મહિલાએ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી અરજણએ અગાઉની ફરિયાદમાં સમાધાન કરવા માટે દબાણ કર્યું હતું. સમાધાન કરવાનો ઇનકાર કરતા આરોપીઓએ મહિલા અને તેના સાથીને બેફામ ગાળો આપી, મૂંઢ માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓ હાથમાં ધારીયુ જેવા ઘાતક હથિયારો લઈને મહિલાના ઘરમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયા હતા.
આરોપીઓએ ઘરમાં રાખેલો ઘરવખરીનો સામાન અને બહાર પડેલા વાહનોમાં ભારે તોડફોડ કરીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. જતા-જતા આરોપીઓએ “તમને દુનિયામાં જીવવા નહીં દઉં” તેવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
મહિલાની ફરિયાદના આધારે હળવદ પોલીસે નીચે મુજબના ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે:(૧.) અરજણ ઉર્ફે અજુ જીવરાજભાઈ દેવીપુજક (૨.)ગગજી જીવરાજભાઈ દેવીપુજક (૩.) જીતેશ ઉર્ફે ભુરો જીવરાજભાઈ દેવીપુજક(તમામ રહેવાસી: ભવાની નગર ઢોરો, હળવદ) હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.



